પાટણ જિલ્લામાં ચોમાસાની સીઝનને એક મહિના કરતાં પણ વધુ સમય થયો હોવા છતાં પુરતા પ્રમાણમાં વરસાદન થતાં ધરતી પુત્રો ચિંતાતુર બન્યા છે. ચોમાસાની સિઝનના પ્રથમ રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસુ પાક સહિત ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયથી આકાશમાં માત્ર વરસાદી માહોલ સર્જાયા બાદ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ વર્તાઈ રહી છે. પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારીત છે. ખાસ કરીને ખરીફ ઋતુમાં જિલ્લાના ખેશ્નો વરસાદ આધારીત ખેતી પર આધાર રાખે છે. જિલ્લામાં ચોમાસાની શરુઆતમાં જ સારા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 41 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતોએ બે લાખ 28 હજાર હેકટર જમીનમાં બીટી કપાસ, દિવેલા, અદ, મગ, મઠ, મગફળી સહિત શાકભાજી તેમજ ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે.
બીજી તરફ જિલ્લાની રણકાંધીએ આવેલા સાંતલપુર પંથકમાં માત્ર 63 મિલીમીટર એટલે કે 10 ટકા જેટલો જ વરસાદ નોંધાતા આ વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાક નિષ્ફળ જાય તેવી ભીતી સેવાઇ રહી છે. પ્રથમ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદને લઇ ખેડૂતોએ મોંઘાભાવનું બિયારણ ખરીદી ખરીફ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ચોમાસાની અડધી સીઝન પૂર્ણ થવા આવી હોવા છતાં વરસાદના કોઈ વાવડન દેખાતાહોઇ ખેડૂત આલમમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોએ પાકને જીવંત રાખવા પિયત કરવા માટે સુચન કર્યું છે. આમ પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પાછોતરું ચોમાસુ ખેંચાતા હાલમાં જિલ્લાની બે લાખથી વધુ હેકટર જમીનમાં વાવેતર કરેલ ખરીફ પાક ઉપર ભય તોળાઇ રહ્યો છે.
સાંતલપુર તાલુકાના ખેડૂત રામાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, એરડાં, જુવાર બાજરી અને મગ, મઠ, અડદ આ વાવેતર કરાયું છે, પણ વરસાદની ખેંચ રહેવાના કારણે મોલ બલી ગયો છે. મોલનું વાવેતર નિષ્ફળ છે. હવેનું વાવેતર વરસાદ થાય તો એરંડાનું વાવેતર થાય બીજું કોઈ વાવેતર થાય એમ નથી.
સાંતલપુરના ખેડૂત રૂગનાથ ભાઈ જણાવ્યું હતું કે, ખેડૂતો ની મારવા જેવી થઈ છે વરસાદ નથી એટલે મોલ પણ બલી રહ્યો છે. સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડી ખેડૂતોને પાણી આપવામાં આવે તો પાક બચી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.