ઉતરાયણનો પર્વ અગાઉ દોરી પતંગનો વ્યાપાર શરૂ થઈ ગયો છે ત્યારે દર વર્ષની એમ માનવ જિંદગી અને પક્ષીઓ ને બચાવી લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા શુક્રવારે કરુણા અભિયાન માટેની બેઠક યોજવામાં આવી હતી જિલ્લામાં 23 જેટલા પક્ષી સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે દરમિયાન પ્રતિબંધિત ચાઈનિઝ દોરી વેચાણ અટકાવવા માટે પોલીસ અને નગરપાલિકા સાથે મળીને રેડ કરવા અને વેચાણ કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી છે.
જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા શુક્રવારે કરુણા અભિયાન અંગેની બેઠકમાં જીવદયા સંસ્થા સંગઠનો વન વિભાગ પશુપાલન વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા માનવ જિંદગી અને પક્ષીઓનો બચાવ થાય તે માટે અભિપ્રાય લેવાયા હતા અને સૂચના આપવામાં આવી હતી તે અનુસાર પશુપાલન અને વન પર્યાવરણ વિભાગ દ્વારા પાટણ શહેરમાં પશુ દવાખાના સહિત જિલ્લામાં 23 સ્થળે પક્ષી સારવાર કેન્દ્રો શરૂ કરાશે.
એક એમ્બ્યુલન્સ દોડતી કરાશે. એનજીઓ દ્વારા વોલન્ટરી સેવા મેળવશે. 8320002000 હેલ્પલાઇન નંબર શરૂ કરાશે જેથી લોકો તંત્રને જાણ કરી શકે. આ બેઠકમાં ચાઈનિઝ દોરી વેચાણ અટકાવવા અંગે સૂચના આપી હતી નગરપાલિકા વિસ્તારમાં પોલીસ અને પાલિકા સાથે મળીને વેપારીઓના ત્યાં રેડ કરશે અને ચાઈનિઝ દોરી પકડાય તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે.
પાટણ શહેરના નવજીવન ચોકડી અને ચાણસ્મા હાઇવે પરના બંને ઓવરબ્રિજ ઉપર પસાર થતાં દ્વિચક્રીય વાહન ચાલકોને સલામતી માટે બ્રિજની બંને બાજુએ લોખંડનો તાર બાંધવાનો કે જેથી પતંગની દોરી સીધી વાહન ચાલકના ગળામાં ના આવે.
રાધનપુરમાંથી 37 ફીરકી સાથે 3 શખ્સો ઝડપાયા
રાધનપુર પોલીસે ગાંધીચોક દેવીપૂજક વાસમાં રહેતાં દેવીપૂજક રાજુભાઈ કનુભાઈ પાસેથી ચાઈનીઝ દોરીની રૂ.4500ની કિંમતની 15 ફીરકી ઝડપી લીધી હતી.આ ઉપરાંત નાના પટેલવાસમાં રહેતાં પરેશભાઈ મુકેશભાઈ પટેલ પાસેથી રૂ.900ની કિંમતની ચાઈનીઝ દોરીની 9 નાની ફીરકી તેમજ થાળકીયા કિશોરભાઈ પ્રેમજીભાઈ પાસેથી ચાઈનીઝ દોરીની 13 ફીરકી સહીત કુલ રૂ 93 હજારના મુદ્દામાલ ઝબ્બે લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
હારિજમાંથી 37 ફીરકી સાથે 3 શખ્સો ઝડપાયા
હારીજ પોલીસે ધૂણીયા વિસ્તારમાંથી કિર્તીભાઈ બચુભાઈ દેવીપુજકને ચાઈનિઝ દોરીની 18 ફીરકી કિં.રૂ.1800 સાથે ઝડપી પાડ્યો હતો. અને અંબિકાનગરથી અરવિંદજી ચંદુજી ઠાકોર ચાઈનિઝ દોરીની 13 ફીરકી કિં.રૂ.1300 સાથે ઝડપી પાડ્યો હોત. પોલીસે કુલ ચાઈનિઝ દોરી 31 ફીરકી જપ્ત કરી બંને શખ્સોની અટકાયત કરી પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
મારા હાથે પક્ષીનો જીવ ગયો અને મેં પતંગ ઉઠાવવાનુ છોડ્યું
ચાઇનીઝ દોરી વેચનારા પકડાય છે જેમ દારૂ પીનારા પકડાય છે. ક્યાંથી આવતી હશે આ દોરી? સરહદની પારથી કે ભારત માં ઉત્પાદન કરનારા લોકો? જવાબદાર કોણ ,સરકાર કે આમ જનતા? હું પ્રખર વિરોધી છું. ચાઇનીઝ દોરી કે સાદી દોરીનો.. એક નિર્દોષ પક્ષીનો જીવ મારા હાથે ગયો હતો આજથી 32 વર્ષ પહેલાં અને મારા હાથે જ કપાયેલી પાંખ સાથે એ અબોલ પક્ષી મારા ઘરની અગાસીમાં મારી પાસેજ પડ્યું .મારા હાથોમાં એણે પ્રાણ છોડ્યા અને તે ઘડીથી આજીવન પતંગ ચગાવવાનું ભગવાન દ્વારકાધીશની સાક્ષીએ છોડ્યું. ક્યારેય હાથ નથી લગાડતો પતંગ કે દોરીને. > જયેશ સી.પટેલ, પ્રમુખ, સાડેસરા પાર્ટી, પાટણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.