તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે વેચાણ:પાટણ જિલ્લામાં 187માંથી માત્ર 33 ખેડૂતો જ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા આવ્યા

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 395ના ભાવે ઘઉં વેચાણ માટે 187 ખેડૂતોનું રજીસ્ટ્રેશન, 6 જુન સુધી ખરીદી થશે
  • સિદ્ધપુર, પાટણ, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુરમાં ઘઉની ખરીદી, મોટાભાગે ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચાણ કર્યું

કોરોનાના કેસ ઘટતાં ફરીથી છેલ્લા એક સપ્તાહથી પાટણ જિલ્લાના સિદ્ધપુર, પાટણ, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર અને વારાહી ખાતે કેન્દ્રો પર પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં 187 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે તે પૈકી અત્યાર સુધીમાં માત્ર 33 ખેડૂતોએ 822 ક્વિંટલ ઘઉંના જથ્થાનુ ટેકાના ભાવે વેચાણ કર્યું છે.

ખેડૂતોને બજારમાં ઘઉંના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે પુરવઠા નિગમ દ્વારા ટેકાના પ્રતિ મણના રૂ. 395 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. માર્ચ માસમાં ટેકાના ભાવે આઠ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના સંક્રમણ વધતા ખરીદી સ્થગિત કરી દેવામાં આવી હતી.

પરંતુ કેસ ઘટતાં ફરીથી છેલ્લા એક અઠવાડિયાથી પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર અને વારાહી કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે 187 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ વેચાણ માટે હજુ સુધી માત્ર 33 ખેડૂતો જ આવ્યા છે. તેમણે 822 ક્વિંટલ જથ્થાનું ટેકાના ભાવે વેચાણ કર્યું છે. છ જૂન સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે તેવુ જિલ્લા પુરવઠા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં માર્કેટયાર્ડમાં સારી ગુણવતાના ઘઉંના પ્રતિ મણ રૂ. 400થી વધુના ભાવ મળે છે એટલે ખેડૂતો મોટાભાગે સ્થાનિક માર્કેટયાર્ડમાં ઘઉ્નું વેચાણ કરી રહ્યા હોવાનુંું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...