તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:પાટણ જિલ્લામાં 2000થી વધુ દિવ્યાંગ બાળકોને ઓનલાઈન શિક્ષણમાં સમાવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ બાળકોનો સર્વે કરવા સ્પેશ્યલ એજ્યુકેટરે રૂબરૂ મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
દિવ્યાંગ બાળકોનો સર્વે કરવા સ્પેશ્યલ એજ્યુકેટરે રૂબરૂ મુલાકાત લીધી હતી.
  • મૂકબધિર બાળકોને ઘર બેઠા ઓનલાઈન સ્પીચ થેરાપી, અંધ બાળકોને બ્રેઈલલીપી અને વિકલાંગને ફિઝિયોથેરાપી કરાવાશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના મૂકબધિર હર્નિષ રાવલ, દિવ્યાંગ આશિષ ઠાકોર, સંગીતા ઠાકોર અને બીજા મળી આવે તે બાળકોને જરૂર પ્રમાણે ઓનલાઈન એટલે કે મોબાઈલ મારફતે જ સ્પીચ થેરાપી બ્રેઈલલીપી શિક્ષણ, ફીઝિયોથેરાપી કસરત શિક્ષણ ઘરે બેઠાં જ આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેશન કાર્યક્રમ હાથ ધર્યો છે. પાટણ જિલ્લામાં 2000 બાળકોને તેમાં આવરી લેવામાં આવ્યા છે.

ચંદ્રુમાણા ગામના હર્નિષ દિપકભાઈ રાવલનું જન્મજાત મૂકબધિરતાને લઈ શ્રવણ શક્તિ ખૂલે તે માટે કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન રાજ્ય સરકારના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત કરાયું હતું. તેમને બોલવા માટે પ્રેક્ટિસ કરાવવા અમદાવાદ જવું પડતું હતું. જેમાં કાયમી અનુકૂળતા રહેતી ન હતી. હવે ગયા વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અંતર્ગત આવા એજ્યુકેશનને સમાવી લીધું છે. ગુરુવારે પાટણના કુણઘેર ખાતે કન્યા શાળાના શિક્ષિકા દામિનીબેન પુરોહિતએ આ માટેનો સરવે કરવા ઘરે ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી.

તેઓ દિવ્યાંગ સ્પેશ્યલ એજ્યુકેશનના ક્લસ્ટર એજ્યુકેટર છે.તેમણે જણાવ્યું કે ગયા વર્ષથી રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં દરેક બીઆરસીના પ્રત્યેક ક્લસ્ટરમાં સ્પેશ્યલ એજ્યુકેશન શરૂ કર્યું છે.જેનો લાભ ધોરણ 1થી 12ના બાળકોને મળી શકે છે. શિક્ષણ સાથે સરકારના મળવાપાત્ર લાભ પણ આપે છે. સ્પેશ્યલ એજ્યુકેશનમાં અંધ બાળકને બ્રેઈલલીપી દ્વારા, વિકલાંગ બાળકોને ફિઝિયોથેરાપી કસરત, બહેરા મુગા બાળકોને સ્પીચ થેરાપી મોબાઈલ મારફતે બીઆરસી દ્વારા મોકલાતી લિંક દ્વારા અપાઈ રહ્યું છે. કુણઘેર ક્લસ્ટરમાં આવા 27 અનેખારીવાવડી ક્લસ્ટર માં 5 બાળકો પ્રાથમિક શાળાઓના સહયોગથી કરાતા સર્વેમાં મળ્યા છે.

ડિસ્ટીક કો-ઓર્ડીનેટર મધુબેન જાદવે જણાવ્યું કે જિલ્લાના 9 તાલુકામાં 72 ક્લસ્ટર આવેલા છે. જેમાં 2000 જેટલા દિવ્યાંગ બાળકો લાભ લઇ રહ્યા છે. ધો-9, 10, 11 અને 12 માં 350 જેટલા બાળકો લાભાન્વિત છે.પાટણના બીઆરસી કો.ઓર્ડિનેટર તુષારભાઈ ઓઝાએ જણાવ્યું કે મોબાઈલ અને નેટની સુવિધા ધરાવતા બાળકોને અગ્રતાના ધોરણે થેરાપી શરૂ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...