પાટણ જિલ્લામાં હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને વારાહી કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં આ વખતે 8128 ખેડૂતોએ 18494 મેટ્રિક ટન ચણાના જથ્થાનું વેચાણ કરી રૂ.96.72 કરોડની કમાણી કરી છે. પરંતુ હારિજના 128 અને શંખેશ્વરના 600 ખેડૂતો મળી કુલ 728 ખેડૂતોના નાણાનું ચુકવણું થયું નથી.સમી
અને શંખેશ્વર પંથકમાં ચણાનું વધારે વાવેતર થતું હોવાથી આ વિસ્તારમાંથી ટેકાના ભાવે ચણાના જથ્થાની મોટા પ્રમાણમાં ખરીદી થઇ છે. દર વર્ષે સમી અને શંખેશ્વર તાલુકામાં એક-એક મંડળી દ્વારા ખરીદી કરાતી હતી જેના કારણે ખેડૂતોને વેચાણ કરવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું અને નાણાનું ચૂકવણું પણ મોડું થતું હતું.
અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ આ વખતે બંને તાલુકામાં બે બે મંડળી દ્વારા ખરીદી કરાઈ હતી એટલે કે કુલ ચાર મંડળીથી ખરીદી કરાતા ખેડૂતોને વેચાણમાં સરળતા રહી છે અને નાણાંની પણ ઝડપથી ચુકવણી થઈ ગઈ છે. તેવો ખેડૂતોનો મત છે. આ વખતે ટેકાના પ્રતિ મણના રૂ.1046ના ભાવે ગુજકોમાસોલએ મંડળીઓના માધ્યમથી ખરીદી કરી હતી.
જેમાં રાધનપુર કેન્દ્ર પરથી 921 ખેડૂતો પાસેથી રૂ.10.54 કરોડના 40314 બોરી ચણાની ખરીદી કરી છે જ્યારે વારાહી કેન્દ્ર પરથી 41 ખેડૂતો પાસેથી રૂ.45.34 લાખના 1734 બોરી ખરીદી કરી છે જ્યારે હારિજ કેન્દ્ર પરથી 338 ખેડૂતો પાસેથી રૂ.3.87 કરોડના 14802 બોરી ચણાના જથ્થાની ખરીદી કરી હતી.
જ્યારે સમી કેન્દ્ર પર 3437 ખેડૂતો પાસેથી રૂ.40.64 કરોડના 155413 બોરી ખરીદી કરી છે જ્યારે શંખેશ્વર કેન્દ્ર પરથી 3391 ખેડૂતો પાસેથી રૂ41.22 કરોડના 157635 બોરી ચણાના જથ્થાની ખરીદી કરી હતી. જેમાં સૌથી વધુ શંખેશ્વર તાલુકામાંથી ચણાના જથ્થાની ખરીદી થઈ છે. જેમાં શંખેશ્વર અને હારિજ તાલુકામાંથી 728 ખેડૂતોના નાણાનું ચૂકવણું થતું નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.