વીજબિલ ભરવા અપીલ:પાટણ શહેરમાં 9 હજારથી વધુ ગ્રાહકોના વીજબિલ ભરવાના બાકી, UGVCLએ ખાસ ઝુંબેશ હાથ ધરી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર સીટી-1 અને 2 માં 9 હજાર જેટલા લોકોના વીજ બિલ બાકી હોવાના કારણે વીજળીના બિલની વસૂલાત માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા લોકોના ઘરે જઈને વીજળીના બિલ ભરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. 31 માર્ચ સુધી UGVCLની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઈજનેર જનકભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના સિટી વિભાગ-1 માં 5 હજાર જેટલા ગ્રાહકોનું 56 લાખનું વીજબિલ બાકી છે જયારે સીટી-2 માં 3215 રહેણાંકના મકાનનું રૂ.28,40,000, 1289 વાણિજ્યનું રૂ.24,96,000, 101 સરકારી મિલકતોનું રૂ.6,02,500, જ્યારે પાલિકાનું 31 પાણીના સમ્પ અને બોરવેલનું રૂ.1,62,64,713 મળી કુલ 4636 મિલકતોનું રૂ.2,22,03,213નું બાકી છે. વીજળીના બાકી બિલોની ભરપાઈ કરવા માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે તેમજ જે લોકો સ્થળ પર બિલ ભરે તો તેમનું કનેકશન કાપવામાં આવતું નથી તેમ પણ સીટી - 2 ના કા.ઈજનેર જનકભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર જનક પટેલના જણાવ્યાં મુજબ હાલમાં પહેલા ગ્રાહકો વીજ વપરાશ કરે છે અને તે બાદ તેમને બિલ આવે છે અને તેની ભરપાઈ કરવાની હોય છે જેથી તેને હાલ પોસ્ટ પેઈડ સેવા કહી શકાય પરંતુ અન્ય સુવિધાઓની જેમ વીજ વપરાશ બાબતમાં પણ સરકાર પ્રીપેડ સુવિધાની વિચારણા માન્ય કરી રહી છે અને અમને જાણવા મુજબ વર્ષ 2025 ના અંત સુધીમાં આખા રાજ્યભરમાં પ્રિપેડ વીજ મીટર લાગી જશે જેથી પહેલા ગ્રાહકે રિચાર્જ ચૂકવણું કરીને બેલેન્સ કરવાનું રહેશે અને તે બાદ વપરાશ મુજબ તેમાંથી ૨કમ કપાશે, જેથી વીજ બિલ ભરવા બાબતની કોઈ ઝંઝટ નહીં રહે. વીજ કમીએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન સામાન્ય સ્થિતિમાં કોઈપણ નાગરિક ફરિયાદ કરે તો માત્ર બે કલાકની અંદર જે તે ફરિયાદનું સમાધાન કરી દઈએ છીએ અને વાવાઝોડુ, પૂર જેવી સ્થિતિમાં પણ અમે જીવના જોખમે કામગીરી કરી છીએ પરંતુ બીજે પક્ષે ગ્રાહકો સમયસર બિલ ન ભરતાં અમને પણ દુ:ખ થાય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક વીજકર્મીએ 'રસિયો રૂપાળો રંગરેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી' આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી કે, બધા લાઈટ બિલ ભરી દેજો તો પંખા નીચે જમવા મળશે નહીંતર કનેક્શન કપાઈ જશે. જે તે વિસ્તારમાં ગ્રાહકોનાં લાઈટ બિલો ભરવાનાં બાકી છે અથવા તો જે ગ્રાહકો સમયસર પોતાનું લાઈટ બિલ ભરતા નથી, તેવા ગ્રાહકોના વીજ કનક્શનો વિદ્યુત બોર્ડ કાપે તે પૂર્વે તેઓ દ્વારા પોતાની ગીતોની શૈલીમાં ગ્રાહકોને સમજાવી સમયસર પોતાનું લાઈટ બિલ ભરપાઈ કરવા અપીલ કરી રહ્યા છે. લાઈટ બિલ ભરવાની અપીલ સાથેના આ ગીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...