પીએમ સ્વ નિધિ યોજના:પાટણમાં ધંધા રોજગાર માટે ફેરિયાઓને લોન આપવાના 887ના લક્ષાંક સામે 50 અરજી મળી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષાંક પુરો કરવા દશેરાના તહેવારની રજામાં પણ પાલિકાની ટીમની કામગીરી
  • ધંધા રોજગાર માટે લોન આપવા અંગે સમાજ સંગઠક શાખા દ્વારા સર્વેક્ષણ અને નોંધણી શરૂ

પાટણ નગરપાલિકા દ્વારા ફેરિયાઓને પીએમ સ્વ નિધિ યોજના હેઠળ ધંધા રોજગાર માટે લોન આપવા અંગે સમાજ સંગઠક શાખા દ્વારા સર્વેક્ષણ અને નોંધણી હાથ ધરાઈ છે. જેમાં 887નો લક્ષ્યાંક પૂરો કરવા રજાના દિવસોમાં પણ કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે.

શહેરમાં ફેરિયાઓ સારી રીતે રોજગાર ધંધો કરી શકે તે માટે પ્રથમ વખતે રૂપિયા 10,000 લોન આપવામાં આવશે. જે સમયસર પરત કરવામાં આવે તો બીજી વખતે રૂપિયા 20 હજારની અને ત્રીજી વખતે તેનાથી વધારે રકમની લોન આપવાની જોગવાઈ છે. લોન 12 હપ્તામાં પરત કરવાની હોય છે જેના વ્યાજમાં સરકાર દ્વારા 7 ટકા સબસીડી આપવામાં આવે છે.

શાકભાજી, ફળફળાદીની લારી, કટલેરી તમામ પ્રકારના પાથરણાવાળા, ગલ્લા ધારકો, કાપડની લારી, ચા નાસ્તાની લારી, પાનના ગલ્લા, હેર કટીંગ કેબીન, ફુલ વાળા, સાયકલ રિપેરીંગ, કેબિન ધારક અને અન્ય ફેરિયાઓને આ સુવિધા મળી શકે છે. નગરપાલિકા સમાજ સંગઠક શાખાના મેનેજર અંજનાબેન સોલંકીએ જણાવ્યા મુજબ પાલિકા દ્વારા વર્ષ 2017માં સર્વે કરીને નોંધણી કરાઈ હતી. તેમાં જે લોકો બાકી રહ્યા છે તેમની નોંધણી ચાલી રહી છે. ગયા સોમવારથી અત્યાર સુધીમાં 50 જેટલી અરજીઓ મળી છે. દશેરાના તહેવારના દિવસે પણ કામગીરી ચાલુ હતી. 31 ઓક્ટોબર સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા માટે અન્ય મેનેજર ભેમજીભાઇ રાજપુત અને સંગઠકો લાલસિંહ રાજપુત કેલ્વિન પટેલ અને કિશોર સોલંકી વગેરે દ્વારા કેમ્પો કરવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા કોરોના બાદ પાટણના ફેરિયા, લારીવાળા અને પાથરણાંવાળાંને લોન આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં વધુને વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે તેવા પાલિકાના પ્રયાસો થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...