તસ્કરી:માલસુંદ ગામે ખેડૂતના મકાનમાંથી રોકડ સહિત રૂ. 1.46 લાખની ચોરી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડૂત ખેતરે રાત્રે રખેવાળી કરવા જતાં ઘરમાં તસ્કરો ત્રાટક્યા
  • ખેડૂતની પત્ની, પુત્ર અને પુત્રી ​​​​​​​સૂતાં રહ્યાં ને તસ્કરો હાથફેરો કરી ફરાર

હારિજ તાલુકાના માલસુંદ ગામે ખેડૂતના મકાનમાં ઘૂસીને અજાણ્યા ચોર રૂ. 146000ની માલમતા ચોરી જતાં હારિજ પોલીસ સ્ટેશનમાં ફરયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ત્યારે તેનો લાભ ઉઠાવી તસ્કરો દ્વારા ચોરી કરવાની ઘટનાઓ વધી રહી છે. જેમાં માલસુંદ ગામના લક્ષ્મણભાઈ કાંતિભાઈ પરમાર નવા વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યા પછી ખેતરમાં રખેવાળી માટે ગયા હતા. જ્યારે ઘરે તેમના પત્ની લક્ષ્મીબેન, દીકરી મમતા અને દીકરો નિકુલ સૂઈ ગયા હતા.

વહેલી સવારે પાંચ વાગે ખેતરથી પાછા આવતા દરવાજો ખુલ્લો હતો અને તિજોરીની વસ્તુઓ વેરણ-છેરણ હતી તે જોઈને ચોરીની જાણ થઈ હતી. ચાવીથી તિજોરી ખોલી તેમાં તપાસ કરતાં મૂકેલા રૂપિયા 90 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂપિયા 56000 રોકડ રકમ મળી કુલ રૂ. 146000ની માલમત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે હારિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાતાં પીએસઆઇ વી.જી. ઠાકોર તપાસ ચલાવી રહ્યા છે.

ચોરી થયેલ માલમત્તા

  • સોનાની વીંટી (કિ.રૂ. 20,000)
  • સોનાની નાકમાં પહેરવાની કાંટી (રૂ. 5,000)
  • સોનાનાં ઠાંસીયા (કિ.રૂ. 30000)
  • ચાંદીની ઝાંઝરી (કિ.રૂ. 5,000)
  • ચાંદીના છડા (કિ.રૂ. 10,000)
  • ચાંદીના કડલા 1 જોડ (કિ.રૂ. 20000)
  • રોકડ રૂપિયા 56000
અન્ય સમાચારો પણ છે...