પાંચ માસ પૂર્વે થયેલી ચોરીની ફરિયાદ નોંધાઇ:હારીજનાં એકલવામાં જોગણીમાતાનાં મંદિરમાંથી રોકડ-આભૂષણો સહિત રૂા. 1.15 લાખની મતાની ચોરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાજીએ રજા ન આપતાં પાંચ મહિના સુધી ફરિયાદ નહોતી નોંધાવી
  • હારિજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી

હારીજ તાલુકાનાં એકલવા ગામે ગામનાં તળાવ પર આવેલા જોગણી માતાનાં મંદિરમાં પાંચ માસ પૂર્વે થયેલી રૂ. 1 લાખ 15 હજારની કિંમતનાં આભૂષણો અને દાનપેટીની ચોરીની ઘટનાની ફરિયાદ હવે પાંચ માસ બાદ નોંધાઈ છે. આ બનાવની ફરિયાદ આટલી મોડી નોંધાવવા અંગેનું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે, આ ચોરી બાબતે જે તે વખતે માતાજીએ ચોરી બાબતની ફરિયાદ કરવાની રજા ન આપતાં જે તે વખતે ફરિયાદ કરી નહોતી, ને આજે માતાજીએ ગ્રામજનોને રજા આપતાં ગામનાં અગાઉ સરપંચ રહી ચુકેલા જયંતિજી અજમલજી ઠાકોરે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ હારીજ તાલુકાનાં એકલવા ગામે આવેલા જોગણી માતાનાં મંદિરમાંથી તા. 5 ડિસેમ્બર, 2021ના રોજ કોઇ તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે મંદિરમાંથી ચાંદીના નાના મોટા દોઢ કિલો ગ્રામનાં રૂા. 75 હજારના 30 છત્રો તથા માતાજીનો 200 ગ્રામ ચાંદીનો 10 હજારનો હાર તથા દાનપેટીનું તાળું તોડીને રૂા. 30 હજારની રોકડ રકમની ચોરી કરીને લઇ ગયા હતા.

આ બનાવની જાણ જે તે વખતે મંદિરનાં પુજારી પ્રહલાદપુરી ગોસ્વામીએ ગામનાં એ સમયનાં સરપંચને કરતાં તેમણે જે-તે વખતે ફરીયાદ કરી નહોતી. પરંતુ આજે બુધવારે તેમણે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...