પાટણના ધારપુરમાં ગઇકાલે રાત્રે એક લગ્ન પ્રસંગના લાઈવ ડીજે પ્રોગ્રામમાં આવી રહેલાં લોકગાયિકા કાજલ મહેરિયા પર અગાઉ તેમની સાથે કામ કરી ચૂકેલા કે.એમ. ડિજિટલ ગ્રુપના ઓર્ગેનાઇઝર સહિત પાંચ ઈસમે હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઉપરાંત ધોકા વડે હુમલો કરી માર મારી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવા સહિતની બાલીસણા પોલીસ મથકે લોકગાયિકાએ ફરિયાદ નોંધાવી છે.
પાટણના ધારપુર ગામે ગઇકાલે સોમવારે રાત્રે લાઈવ ડીજે કાર્યક્રમમાં આવી રહેલાં લોકગાયિકા કાજલ મહેરિયા ધારપુરમાં ડેરી પાસે આવતાં 5 જેટલા ઈસમે તેમના પર હુમલો કર્યો હતો. કાજલ મહેરિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ તેમની સાથે કે.એમ. ડિજિટલ ગ્રુપના ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમ સહિત પાંચ ઈસમ દ્વારા અગાઉનું મનદુઃખ રાખી હુમલો કર્યો છે.
કાજલ મહેરિયાએ ગાડીના કાચ તોડી ધોકા વડે હુમલો કરનારા રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમ સામે માર મારી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી રૂ. 3 લાખની સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની ફરિયાદ બાલીસણા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ગાયિકાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે ગાયિકા હાલમાં ધારપુર સિવિલમાં સારવાર હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.