રિક્ષા પર વીજ વાયર પડ્યો:ધારપુરમાં રિક્ષા પર જીવંત વીજતાર તૂટીને પડતાં ચાલક રિક્ષા મૂકી દોડી જતા બચાવ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારપુરમાં રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર વીજ વાયર તૂટીને ઉપર પડ્યો - Divya Bhaskar
ધારપુરમાં રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર વીજ વાયર તૂટીને ઉપર પડ્યો
  • વીજ સપ્લાય ચાલુ હોય કરંટના ભયથી ગામના લોકોએ હેલ્પરને રિપેરિંગ માટે અડધો કલાક સુધી ફોન કર્યા પરંતુ ફોન ન ઉપાડતા લોકોમાં રોષ, જાતે પ્લગ કાઢી લાઈટ બંધ કરી

પાટણના ધારપુર ગામે વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે બપોરના સમયે રસ્તા ઉપર પસાર થતી રિક્ષા પર ચાલુ વીજતાર તૂટીને રીક્ષાની આગળ પડતા સતર્ક બની ચાલક રિક્ષા મૂકી દોડી જતા જીવ બચી જવા પામ્યો હતો. વીજ સપ્લાય ચાલુ હોય બીજો અકસ્માત ન બને માટે રિપેરિંગ માટે જીઈબીના હેલ્પરને વારંવાર અડધો કલાક સુધી ફોન કરવા છતાં ફોન ના ઉપાડતા લોકો રોષે ભરાયા હતા. અંતે જાતે જ વીજળીપીમાંથી પ્લગ કાઢીને લાઈટનો સપ્લાય બંધ કરતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

ધારપુર ગામના રિક્ષા ચાલક રમેશભાઈ કામ અર્થે ઘરેથી ગામમાં આવી રહ્યા હતા.ત્યારે બાળાપીરની વાડી પાસે રસ્તા પર વચ્ચે પસાર થઈ રહેલો વીજ વાયર તૂટીને અચાનક રિક્ષા ઉપર પડ્યો હતો. રિક્ષા સ્પીડમાં ના હોય વાયર પડતા જ સાવધાન બની ચાલક રિક્ષા મૂકીને દૂર ભાગી ગયા હતા. વીજ તારમાં સપ્લાય ચાલુ હોય રિક્ષા રસ્તા વચ્ચે જ પડી રહી હતી તેમજ પસાર થતા લોકોમાં પણ કરંટ લાગવાનો ભય પ્રસર્યો હતો. જેથી રિક્ષા ચાલક સહિત ગામના આગેવાન નરેશભાઈ પરમાર સહિતના લોકોએ જીઈબીના સ્થાનિક હેલ્પરને વીજ સપ્લાય બંધ કરી તાત્કાલિક રિપેરિંગ કરવા માટે વારંવાર સંપર્ક કર્યો હતો.

પરંતુ સતત અડધો કલાક સુધી હેલ્પરે ફોન ઉપાડ્યા ના હતા. જેથી ગામમાં વીજ અકસ્માતની દુર્ઘટના ટાળવા ગામના એક વ્યક્તિ દ્વારા સલામતી સાથે વીજ મીટરના પ્લગ કાઢીને સપ્લાય બંધ કરી દીધો હતો. વરસાદી માહોલ વચ્ચે વીજ વાયર તૂટતા સદનસીબે દુર્ઘટના ટળી હતી. પરંતુ વીજ કર્મચારીઓ દ્વારા આવા સમયે પણ ફોન ના ઉપાડતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.તેવું રિક્ષા ચાલક રમેશભાઈ, ગામના અગ્રણી નરેશ પરમારે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...