શ્રેષ્ઠીઓનું સન્માન:ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠીઓને સન્માનિત કરાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ગરિમા એવોર્ડથી પાંચ વ્યક્તિઓનું રાજ્ય સન્માન, પાટણ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર 15 લોકોનું સન્માન

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠીઓને ગરિમા એવોર્ડ તથા પાટણ જિલ્લાના 15 શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ગરિમા એવોર્ડથી પાંચ વ્યક્તિ વિશેષોનું રાજ્ય સન્માન કરાયું હતું જ્યારે પાટણ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર 15 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે યોજાયેલા ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની સંધ્યાએ શ્રેષ્ઠીઓના સન્માનની ગુજરાતની આગવી પરંપરાએ નવી ઉંચાઇ પ્રસ્થાપિત કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના વિકાસ માટે રૂપિયા 2.5 કરોડ તથા જિલ્લાના વિકાસ માટે વધારાના રૂપિયા 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિન-2022ની સંધ્યાએ યોજાયેલા ગુજરાત સ્થાપના દિનની 'ગુજરાત ગાશે પાટણ ગાન' કાર્યક્રમાં રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, ગુજરતાનો સર્વાંગી વિકાસ અન્ય રાજ્યો માટે પ્રેરણાસ્ત્રોત છે.

ગુજરાતના શ્રેષ્ઠીઓને 'ગુજરાત ગરિમા એવોર્ડ 2022'થી સન્માનિત કરાયા છે. જેમાં કૃષિ ક્ષેત્રમાં પ્રફુલચંદ્ર મનસુખભાઈ સેજલીયા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ડો. પ્રતાપભાઈ પંડ્યા(મરણોત્તર), સમાજ સેવા ક્ષેત્રમાં નિલેશભાઈ માંડલેવાલ, રમત ગમત અને યોગ ક્ષેત્રમાં કુ.અન્વી વિજય ઝાંઝરૂકીયા, કલા ક્ષેત્રમાં કિર્તીદાન ગઢવીને 'ગુજરાત ગરિમા એવોર્ડ 2022' થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય પાટણ જિલ્લાના 15 શ્રેષ્ઠીઓને પણ વિવિધ ક્ષેત્રોમાં કરેલી કામગીરી બદલ પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ એવોર્ડથી સન્માનિત થયેલા શ્રેષ્ઠીઓની યાદી1. મહેશભાઈ ભણસાલી: જેઓને સમાજસેવા ક્ષેત્રમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓશ્રી ભણસાલી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે જે ભારતના ૨૨ જેટલા રાજ્યોમાં કાર્યરત છે.2. એસ.કે. ટ્રસ્ટ પાટણ વતી ભરતભાઇ શાહને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.3. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ વત્તી જે.કે પટેલને સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સંસ્થા મફત રોગ નિદાન કેન્દ્ર, એમ્બ્યુલન્સ સેવા તથા બ્લડબેંક જેવી સેવાકીય પ્રવૃતિઓ ચલાવે છે.4.

બેબા શેઠ (જી.જી.ઠક્કર): જેઓને સમાજસેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓશ્રી ‘હરતું ફરતું’ અન્નક્ષેત્ર ચલાવે છે. તેમણે કોરોનાકાળમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા અને રાશનકીટની વ્યવસ્થા પણ કરી હતી.5. ભરતભાઇ કાંતિલાલ સાલ્વી: જેઓને કલાક્ષેત્રે કરેલી સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. પાટણનો પ્રખ્યાત પટોળાનો વારસો જાળવી રાખવાની સહરાનયી કામગીરી કરે છે. જેમને ૨૦૧૧માં ભારત સરકારના ટેક્સટાઇલ વિભાગ તરફથી નેશનલ મેરીટ સર્ટિફિકેટ મળેલ છે. 6. જયશ્રી હડકાઈ માતા પ્રગતી મંડળને સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના વત્તી ઇશ્વરલાલ પટણીએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો.7. ઠાકોર ચંદ્રિકાબેન રૂપાજી અને ટીમ : જેઓને રમતગમત ક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ખેલો ઈન્ડિયા ૨૦૨૦માં ગૌહાટી આસામ ખાતે રમવા ગયેલ જેમાં ગુજરાત ટીમનો ત્રીજો નંબર આવેલ હતો.8.

તન્વીબેન હીમાંશુભાઈ પટેલ: જેઓને સમાજસેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. જેઓએ આદરણીય નરેન્દ્રભાઇ મોદીનું વ્યાખ્યાન સાંભળીને મધ ઉછેર કેન્દ્ર બનાવ્યું હતું અને વાર્ષિક આશરે 3000 કિલો ઓર્ગેનિક મધ ઉત્પાદન કરી રહ્યા છે.9. તનીલ આર. કિલાચંદ: જેઓને શિક્ષણ ક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓશ્રી નોર્થ ગુજરાત એજ્યુકેશન કેમ્પસના પ્રમુખ છે અને પાટણમાં ઉત્તર ગુજરાત યુનિ.ની સ્થાપનામાં તેમનો ખૂબ મહત્વ ફાળો રહ્યો છે.10. નવીનભાઈ ઠક્કર : તેઓને સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ બદલ એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.11. પાલકર આસના : તેઓને સંગીત કલા ક્ષેત્રોમાં કરેલ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કલા ઉસ્તવ ૨૦૧૯-૨૦૨૦ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં હળવું કંઠ્ય સંગીત વિભાગમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી નેશનલ લેવલે પ્રતિનિધિત્વ પણ કરેલું છે. શાસ્ત્રીય સંગીત વિશારદ પણ પૂર્ણ કરેલું છે.12 મકતબા જાફરીયા કેમ્પસ સિદ્ધપુર : તેઓને પણ સમાજસેવામાં કરેલ વિવિધ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત થયો છે. તેઓ હાલમાં મકતબા જાફરીયા કેમ્પસ મુ સેદ્રાણાના ટ્રસ્ટી છે તેમજ આ સંસ્થા શૈક્ષણિક તેમજ આરોગ્યના ક્ષેત્રમાં પ્રવૃતિશીલ છે. 13. નિરમાબેન ભરતજી ઠાકોર : તેઓને રમતગમત ક્ષેત્રોમાં કરેલી કામગીરી બદલ આ એવોર્ડ અપાયો છે. તેમણે વર્લ્ડ યુનિવર્સિટીની સ્પર્ધા માટેનો ટ્રાયલ જે માર્ચ 2020માં ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર ભારતમાં હાફ મેરેથોન - 21 કિલોમીટરમાં પ્રથમ રહી ક્વોલિફાઈડ કર્યું હતું. એટલું જ નહીં પુના ઇન્ટરનેશનલ મેરેથોન 2019માં કુલ મેરેથોન 3 કલાક 9 મિનિટમાં પૂર્ણ કરી સમગ્ર વિશ્વની મહિલાઓમાં ચોથો નંબર અને ભારતીય મહિલાઓમાં પ્રથમ નંબર મેળવ્યો છે.14. મોહનભાઈ બજાણીયા : તેઓને સમાજ સેવા ક્ષેત્રમાં કરેલી કામગીરી બદલ આ એવોર્ડ એનાયત થયો છે. તેઓશ્રી દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં જોડવાનું કામ કરી વિચરતી વિમુક્ત જાતિના લોકોને મતદાર કાર્ડ આધારકાર્ડ, રેશનકાર્ડ બનાવવા માટે પ્લોટ જેવી યોજનાઓની સહાય મેળવી તેમણે મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.15 દિનેશભાઈ ઠાકરને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનો એવોર્ડ એનાયત થયો. તેઓ છેલ્લા 21 વર્ષથી સમાજ સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓએ તેમની સૂઝબૂઝ અને પુરુષાર્થ દ્વારા લોકોના દિલ જીત્યા છે. આજે દુનિયાભરના દેશના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ મોડેલની જાણકારી મેળવવા ગુજરાતની મુલાકાત લે છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઊંચા હાંસલ કરી છે, અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વણથંભી વિકાસયાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિનો નવો યુગ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકસાવ્યો છે તેના પાયામાં બે દાયકા પહેલા ગુજરાતની શાશનધૂરા સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીનું દીર્ધ-દૃષ્ટિપૂર્ણ નેતૃત્વ છે. તેમના મક્કમ પગલાંઓને પગલે ગુજરાત વર્ષ 1960થી 2000 સુધીના ચાર દાયકામાં ગુજરાત જ્યા હતું ત્યાંથી છેલ્લાં બે-અઢી દાયકામાં અનેક ગણું આગળ વધ્યું છે.

દેશ અને રાજ્યમાં આજે અનેક એવા ક્ષેત્રો છે જેમાં નરેન્દ્રભાઇ મોદીની આગવી સિદ્ધીની પહેલ પરિણામલક્ષી બની છે, તેના પગલે ગુજરાત પણ આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. દેશ અને દુનિયાના વિકસીત રાષ્ટ્રોના નિષ્ણાંતો કે અર્થશાસ્ત્રીઓ આજે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત થયા છે એમ તેમણે ઉમેર્યું હતું. પ્રવર્તમાન રાજ્ય સરકાર પણ તેજ ગતિથી વિકાસપથ પર આગળ વધી રહી છે. છેલ્લા 20 વર્ષમાં રૂપિયા 11 હજાર 815 કરોડના ખર્ચે 7.65 લાખ ખેડૂતોને વીજ જોડાણો આપ્યા છે એજ રીતે રૂપિયા 100 કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં આદિવાસી વિસ્તારમાં 500 નવા મોબાઇલ ટાવર ઊભા કરવાનો નિર્ણય પણ કર્યો છે.

આ અવસરે પાટણ જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલ વિકાસ વાટિકા તથા ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બનાવાયેલ પુસ્તોકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્યકાર વિષ્ણુભાઇ પંડ્યા, અગ્રણી ઉદ્યોગકાર કરસનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્યોઓ, જિલ્લા કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારી અને અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...