સિદ્ધપુર તાલુકાનાં એક ગામની સગીરા અને ગામનો શખ્સ બંને જણા પાંચ મહિના પૂર્વે ભાગી ગયા હતા. જેને પોલીસે અમદાવાદનાં છારોડી વિસ્તારમાંથી ફોન લોકેશન આધારે પકડી પાડ્યા હતા. આ કિશોરી અત્યારે 8 માસની ગર્ભવતી છે. પોલીસે શખ્સને પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં રજૂ કરીને તેનાં ત્રણ દિવસનાં રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તેને તા. 6 ઓગષ્ટ સુધીનાં રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં સોંપ્યો હતો. આ બંને પ્રેમી પંખીડા ગત માર્ચ માસમાં ભાગી ગયા હતા. બંને જણા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સબંધ હતો ને તેઓ અવાર-નવાર મળતા રહેતા હોવાથી કિશોરી ગર્ભવતી બની હતી. તે પછી બંને એ ગર્ભાવસ્થામાં જ ઘર છોડીને અલગ અલગ ઠેકાણે રહીને સમય વિતાવ્યો હતો.
3 ઓગસ્ટના રોજ ઝડપાયા
સિદ્ધપુરના એક ગામની 17 વર્ષની કિશોરી એપ્રિલમાં તેનાં ઘરેથી તેની શાળામાં પરીક્ષાનું પેપર આપવા માટે નિકળી હતી, પરંતુ તે પેપર આપ્યા વિના જ તેના પ્રેમી સાથે ભાગીને અમદાવાદ વિસ્તારમાં જતા રહ્યા હતા ને ત્યાં કોઇ જગ્યાએ ઓરડીમાં રહેતા હતા. આ કિશોરીનાં ગુમ થવા અંગે તેના પરિવારે અપહરણની ફરીયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને તા. 3-8-2022નાં રોજ તેઓની અમદાવાદનાં છારોડી વિસ્તારમાંથી પકડીને સિદ્ધપુર લાવ્યા હતા.
એપ્રિલ મહિનામાં ભાગ્યા હતા
પોલીસે કિશોરીનું નિવેદન લેતાં તેણે જણાવ્યું હતું કે, કિશોરી અને તેનો પ્રેમી બંને એક જ શાળામાં અને ધોરણમાં ભણતા હોવાથી તેઓ પ્રેમમાં હતા તેઓ હંમેશાં મળતા રહેતા હતા. શખ્સ અમદાવાદ અને ગાંધીધામ નોકરી કરવા ગયો ત્યારે તેણે કિશોરીને ફોન લાવી આપ્યો હોવાથી તેની પર વાતચીત કરતા હતા. શખ્સ ઘરે આવે ત્યારે તેઓ મળતા હતા અને સંબંધ બાંધતા હતા. જેનાં કારણે કિશોરી ગર્ભવતી બની હતી. કિશોરીએ રમેશને પોતાનાં ગર્ભાવસ્થાની વાત કરી હતી. જેથી રમેશે તેને કહેલું કે, “તું ચિંતા ન કર, ત્ ગર્ભ રાખી લે અને તારી ધો. 12ની પરીક્ષા પતે પછી આપણે બંને ભાગી જઇશું અને લગ્ન કરી લઇશું.” અને બંને જણા તા. 14-4-2022નાં ભાગીને અમદાવાદ જતા રહ્યા હતા. આ બનાવમાં પોલીસે અગાઉ નોધેલી આઇપીસી 363ની ફરીયાદમાં બળાત્કારની કલમનો વધારો કરવા કોર્ટમાં આપેલી અરજી કોર્ટે સ્વિકારીને તેનો ઉમેરો ક્યો હતો.
બાળકીને પેટીમાં રાખવામાં આવી
સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી આચાર્યએ જણાવ્યું હતું કે સગીરાએ ધારપુર સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે જેને પેટીમાં રાખવામાં આવેલી છે આરોપી યુવકના રિમાન્ડ દરમિયાન તેણે ગુનાની કબુલાત કરી છે તેને સુજનીપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે હવે મેડિકલ એવિડન્સ મેળવવા માટે ડીએનએ કરવામાં આવશે તેમજ સગીરાનું કોર્ટમાં બયાન લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.