પાલિકાની આળસ!:પાટણ પાલિકામાં ભંગારમાં પડેલાં મહત્વના સાધન-મશીનરી લાંબા સમયથી ધુળ ખાતી, ઉપયોગી લેવા લોકમાંગ ઉઠી

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા દ્વારા મીની સીટી બસ, રખડતાં ઢોર પકડવાનું પાંજરું, જેટિંગ મશીન, રોડ સ્વીપિંગ મશીન જેવા મહત્વના સાધન, મશીનરીને લાંબા સમયથી ધૂળ ખાતી પડી રાખવાના બદલે શહેરમાં લોક ઉપચોગી બનાવવા પગલાં ભરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પાટણ શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા અંગે લોકોની બૂમો અને રજૂઆતો છતાં જાહેર અવરજવરને નડતરરૂપ અને નાગરિકોના જાનને જોખમરૂપ આ સમસ્યાનું હજુ નિરાકરણ આવી શક્યું નથી,ત્યાં જ જાણવા મળ્યા મુજબ રખડતાં ઢોર પકડવા માટેનું પાટણ નગર પાલિકાનું એકમાત્ર પાંજરું પણ ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડ્યું હોઇ તંત્ર ક્યારે પગલાં ભરશે તે બાબત ચર્ચાસ્પદ બની છે.

પાટણ શહેરમાં રખડતાં ઢોર કોઈને હડફેટે ચઢાવે કે કોઈને પાડી દે અને દવાખાના ભેગા કરી દે, લોકોમાં રોષની લાગણી ભભૂકે ત્યારે જ નગરપાલિકાના સત્તાધીશો જાગીને ઢોર પકડવા પાંજરું છૂટ મુકતા હોવાનું લોકોમાં કહેવાતું રહ્યું છે. જોકે, આ પાંજરું પણ છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો ભોગ બન્યા બાદ નગરપાલિકા કેમ્પસમાં રીપેરીંગની રાહ જોતું ધૂળ ખાતું પડ્યું છે અને ક્યારે તેને સરખું કરીને બહાર કઢાશે તે પ્રશ્ન છે.

શહેરમાં રાજમાર્ગો તેમજ બજાર માર્ગ પર રખડતાં ઢોર લોકો માટે જોખમરૂપ બની રહ્યાં છે ત્યારે પાલિકાનું આ પાંજરું સરખું કરી ઢોરોને ડબ્બે કરવા સેવામાં મુકવામાં આવે તેવું લોકો ઈચ્છ રહ્યા છે. ઢોર પકડવાના પાંજરાની જેમ શહેરમાં ભૂગર્ભ ગટર કે ખાળકુવા ભરાઈ જાય ત્યારે ઉપયોગમાં લેવાતું જેટિંગ મશીન પણ નગર પાલિકામાં ઘણા સમયથી બંધ હાલતમાં પડી રહ્યુ હોવાનું જાણવા મળે છે અને લોકો તેની જરૂર સમયે પાલિકામાં ફોન કરે તો અન્ય કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો ફોન નંબર આપી દેવાતો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...