રાધનપુર નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર અને ટેક્નિકલ સ્ટાફના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોઈ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને રેગ્યુલર ચીફ ઓફિસર અને ટેક્નિકલ સ્ટાફની તાત્કાલિક નિમણુંક કરવા રજૂઆત કરી છે. સાત દિવસમાં નિમણુંક નહીં થાય તો હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ આપી છે.
ધારાસભ્યએ રજૂઆત કરી છે કે, નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર,સેનેટરી ઇન્સ્પેક્ટર, ટાઉન પ્લાનરની જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે. આ જગ્યાઓ ઉપર ઇન્ચાર્જ હોવાથી વહીવટી કામગીરી કરી શકતા નથી.લોકોના પ્રાણપ્રશ્નો જેવાકે પીવાનું પાણી અને સફાઈ બાબતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આમ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.નગરપાલિકાનો વહીવટ ઠપ્પ થઇ ગયો છે.રોજમદારોના પગારો,લાઈટ બીલો તેમજ સેનિટેશન અને પાણી પુરવઠા શાખામાં હાલાકી પડી રહી છે.
વિકાસ કામોના ટેન્ડરો બહાર પાડવા કે આવેલા ટેન્ડરો ખોલવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે.ચીફ ઓફિસરની રેગ્યુલર નિમણુંક કરવા અનેકવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી.છેલ્લા બે વર્ષથી રેગ્યુલર સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવામાં આવી નથી,ચાણસ્માના સેનેટરી ઇન્સ્પેક્ટરને ચાર્જ આપવામાં આવ્યો છે,તેમણે ચાર માસથી ચાર્જ સાંભળ્યો નથી.સફાઈકામ તેમજ ગટરોની સફાઈ થઇ શકતી નથી.
રખડતા ઢોરોને કારણે બે જણાના મોત થયા છે.જે ખુબ જ ગંભીર બાબત હોવા છતાં ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર રાધનપુરની મુલાકાત લેતાં નથી.ટાઉન પ્લાનરની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે.પ્રાદેશિક કમિશ્નરની કચેરીમાંથી ઇન્ચાર્જ ટાઉન પ્લાનરની નિમણુંક કરવામાં આવી છે,પરંતુ તેઓએ આજદિન સુધી ચાર્જ સંભાળ્યો નથી.પ્રાદેશિક કમિશ્નરના હુકમની અવગણના કરી છે.બાંધકામની મંજૂરીની અનેક ફાઈલો પેન્ડિંગ પડી છે તેમજ રાધનપુર શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે.જેમાં કોઈ જવાબદારી સાંભળવા કોઈ તૈયાર નથી.
રાધનપુર નગરપાલિકા પપ્રત્યે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. રેગ્યુલર ચીફ ઓફિસર,સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટાઉન પ્લાનરની જગ્યા સાત દિવસમાં ભરવામાં નહિ આવે તો નામદાર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ફરજ પડશે એવી પણ ધારાસભ્ય તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.