વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓ છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. રાધનપુર-સાતલપુર ક્ષત્રિય ઠારોરના સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 'અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે જ અને જો નહીં લડું તો મારો વિરોધ કરનારા ભૂલી જ જાય કે તમે ચૂંટણી લડશો. જે લોકો ડખો કરે છે તેમને હું ચૂંટણી નહીં લડવા દઉં'.
હું ચૂંટણી લડવાનો જ છું: અલ્પેશ ઠાકોર
પાટણ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠક પૈકી રાધનપુર બેઠકને લઈ ભાજપમાં ઊકળતો ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા પ્રમુખ અને રાધનપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં આયોજિત સમૂહલગ્નમાં હાજરી આપી મંચ પરથી હુંકાર કરતાં જણાવ્યું હતું કે 'રાધનપુર પંથકમાં મારો વિરોધ કરનારા સમજી લે કે રાધનપુર બેઠક પરથી હું ચૂંટણી લડવાનો જ છું અને જો હું ચૂંટણી નહીં લડું તો મારો વિરોધ કરનારાને પણ ચૂંટણી લડવા નહીં દઉં.'
40 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં
રાધનપુર સદારામ છાત્રાલયમાં રાધનપુર અને સાંતલપુરના ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્ન યોજાયાં હતાં, જેમાં 40 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ પ્રસંગે અલ્પેઠ ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતીઓને સુખી જીવનના આશીવાર્દ આપ્યા હતા.
હું પણ રાધનપુર વિધાનસભા બેઠક પરનો દાવેદાર છું: લવિંગજી ઠાકોર
અલ્પેશ ઠાકોરના હુંકાર બાદ લવિંગજી ઠાકોરનું પણ નિવેદન આવ્યું છે. એમાં તેમણે જણાવ્યું હતું કે હું પણ રાધનપુર વિધાનસભા સીટ પરનો દાવેદાર છું. અમે પણ આ વિસ્તારમાં ફરી નાના-મોટા સમાજનાં કામ કર્યા છે અને આજે પણ લોકોમાં ફરી નાના-મોટા પ્રશ્નોનો નિકાલ કરીએ છીએ. અલ્પેશ ઠાકોર કહે છે કે લવિંગજી ઠાકોર સમાજ તોડવાનું કામ કરે છે, પણ 1995માં ઠાકોર સમાજે એકતા કરી મને અપક્ષમાં જિતાડ્યો હતો. લવિંગજી કોઈ દિવસ કોઈ સમાજની વિરુદ્ધમાં ન જાય. ઠાકોર સમાજ તોડવાની વાત એ પાયાવિહોણી છે. પાર્ટી અમને વિશ્વાસમાં લીધા વગર કોઈને ટિકિટ નહીં આપે. પાર્ટી અહીં સ્થાનિક ઠાકોર કે ઈતર સમાજને કોઈપણને ટિકિટ આપે તો એ જીતની ખાતરી આપીએ છીએ.
અગ્રણીઓની બેઠકમાં સ્થાનિક ઉમેદવારની માંગ
રાધનપુર મતવિસ્તારના ભાજપના અગ્રણીઓની તાજેતરમાં મળેલી બેઠકમાં તમામ અગ્રણીઓએ અગામી વિધાનસભાની ચૂંટણી માટે સ્થાનિક ઉમેદવાર મુકવાની માંગ કરી હતી. આ ભાજપના અગ્રણીઓ અલ્પેશ ઠાકોરને ભાજપના ઉમેદવાર તરીકે સ્વીકારશે ખરા કે કેમ એ મોટો સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.