સિદ્ધપુર તાલુકાનાં કનેસરા ગામે પતિએ તેની પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ઘટના બની હતી. આ અંગેની વિગતો એવી છે કે, સિદ્ધપુર તાલુકાનાં કનેસરા ગામે રહેતા પ્રવિણ મોતીભાઇ સેનમાએ તા. 13મીનાં રોજ વહેલી સવારે પોતાની પત્ની પાર્વતીબેન સાથે ઝઘડો થયો હતો. જેનાં કારણે માથામાં લોખંડની હથોડી મારતાં તેને ગંભીર ઇજા પહોંચી અને તેમનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકનાં ભાઇ કાળુભાઈ વેલાભાઇ સેનમા રે. મંડાલી તા. ખેરાલુ વાળાએ ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ ખેરાલુનાં મંડાલી ગામે પિયર ધરાવતા પાર્વતીબેનનાં લગ્ન 18 વર્ષ પૂર્વે સિધ્ધપુરનાં કનેસરા ગામે પ્રવિણ મોતીભાઇ સેનમા સાથે થયા હતા. તેમને બે પુત્રો છે. આ બનાવની વધુ વિગત એવી છે કે, તા. 13મીનાં રોજ વહેલી સવારે પાંચેક વાગ્યાનાં સુમારે પાર્વતીબેન અને પ્રવિણ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પ્રવિણે તેમની પત્નિને માથામાં હથોડી મારીને નાસી ગયો હતો. આ બનાવ બનતાં ગામનાં કેટલાકે તેઓને બેભાન અવસ્થામાં 108માં પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા ને તેમને સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા જાહેર કરાયા હતાં.
પાર્વતીબેન અગાઉ ત્રણેક વર્ષ સુધી રિસામણે બેઠા હતા. ને છ મહિલા અગાઉ સમાધાન કરીને પાર્વતીબેનને તેમની સાસરીમાં મોકલ્યા હતા. છતાં તેમનો પતિ, પત્નિ સાથે અવારનવાર ઝઘડો કરતો હતાં. આ બનાવ અંગેની તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.