માર્કેટયાર્ડમાં જંગી આવક:પાટણ માર્કેટયાર્ડમાં દિવાળી પહેલા કપાસ સહિત અન્ય જણસોની જંગી આવક

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નવાગંજ માર્કેટ્યાર્ડમાં દિપાવલીના પર્વ પૂર્વે ખેડૂતો દ્વારા વિવિધ જણસો વેચાણ માટે લાવી પેઢીઓ ઉપર માલ ઠાલવતા માર્કેટયાર્ડ ધમધમતું જોવા મળી રહયું છે. આગામી દિવસોમાં માર્કેટ્યાર્ડ સમીતી દ્વારા દિપાવલીનું મીની વેકેશન જાહેર થતું હોઇ આર્થિક વ્યવહારો સાચવવા માટે ખેડૂતો પોતાની ઉપજે વેચાણ અર્થે લાવી રહયા છે. છેલ્લા ચાર દિવસથી કપાસ સહિત અન્ય જણસોની જંગી આવકને લઇ ગંજબજાર ઉભરાઇ રહયું છે.

પાટણ જીલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા નવાગંજ માર્કેટયાર્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી કપાસની રોજની 5 હજારથી વધુ બોરીની આવકો ઠલવાઇ રહી છે.. તો સાથે સાથે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતાં તેઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નવાગંજ માર્કેટયાર્ડ ખાતે કપાસની 13875 બોરીની આવક નોંધાતા સમગ્ર ગંજબજારમાં જાણે સફેદ ચાદર પથરાઇ ગઇ હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

છેલ્લા ચાર દિવસ દરમ્યાન કપાસની 50 હજારથી વધુ બોરીની આવકો નોંધાઇ છે. તો તેની સામે સારા માલના મણદીઠ કપાસના ભાવ 1500થી 1700રુપિયે વેપારીઓ ખરીદ કરી રહયા છે જ્યારે નીચામાં 1400થી 1500 રુપિયાના ભાવમણદીઠ હરાજીમાં વેચાઇ રહયા છે.આ ઉપરાંત અડદના નીચામાં 1350 અને ઉંચામાં 1600રૂપિયા મણદીઠ ભાવ બોલાઇ રહયા છે. આ ઉપરાંત જીરુ, વરીયાળી, મેથી, રાયડો, એરંડા, જુવાર અને બાજરી સહિતની જણસોની આવકને લઇ માર્કેટયાર્ડ દિપાવલી પૂર્વેના અંતિમ દિવસોમાં ધમધમતું જોવા મળી રહ્યું છે. આમ દિપાવલીના પર્વ પૂર્વેઆર્થિક વ્યવહારો સરભર કરવા માટે ખેડૂતો વિવિધ જણસોને વેચાણ માટે માર્કેટયાર્ડ ખાતે ઠાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...