મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ એટલે પતંગોત્સવ. આ પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પાટણ નગરની ઉત્સવપ્રિય જનતામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વના અંતિમ દિવસે શહેરના પતંગ બજારોમાં પતંગરસીયાઓએ દોરી-પતંગની ખરીદી સહિત પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા સમગ્ર વાતાવરણ રંગીન બની જવા પામ્યુ હતું. તો પર્વના અંતિમ દિવસે બજારોમાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો.
પતંગ બજારમાં લોકોને ધસારો
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ લોકોમાં એક અનોખો આનંદ જોવા મળે છે. પાટણમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ પર્વનુ મહત્ત્વ ઉત્તરોત્તર વધતું જાય છે. સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ રસીયાઓનો વિવિધ પ્રકારના માંજા પીવડાવવા માટે ચરખાઓ ઉપર ધસારો જોવા મળ્યો હતો. તો પર્વના અંતિમ દિવસે વહેલી સવારથી જ શહેરના પતંગ બજારમાં પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ પતંગ દોરીની ખરીદી કરી હતી. તો આ પર્વનાં અંતિમ દિવસની રાત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પતંગ બજારો તેમજ જાહેર માર્ગો ઉપર દોરી પતંગની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ચાલુ વર્ષે શહેરમાં વિવિધ પ્રકારના પતંગોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. જેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી, પક્ષી આકારના પતંગો, ટોમ એન્ડ જેરી, છોટા ભીમ તેમજ રંગબેરંગી તુકકલોથી બજારનો માહોલ રંગીન બની ગયો હતો. આમ મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ પાટણ શહેરના બજારોમાં અંતિમ દિવસે ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.