ઘોડી વરરાજાને લઈ ભાગી:પાટણના રોડા ગામે વરઘોડો નીકળ્યો, ઘોડી ભડકીને લગ્ન કરવા જતા વરરાજાને લઈને ભાગી ગઈ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરરાજાને લઈ નાસી રહેલી ઘોડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ. - Divya Bhaskar
વરરાજાને લઈ નાસી રહેલી ઘોડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ.
  • ઘોડી વરરાજાને લઈને ભાગેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે; ત્યારે રાજ્યભરમાં ઠેરઠેર લગ્ન પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રોડા ગામે એક ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો, જેમાં વરઘોડામાં ઘોડી પર સવાર થયેલા વરરાજાને ભડકેલી ઘોડી લઈને ફરાર થઈ ગઈ હતી. વરઘોડોમાંથી વરરાજાને લઈને ભાગેલી ઘોડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પાટણના રોડા ગામમાં વરરાજા ઘોડા ઉપર ચડીને નચાવી રહ્યા હતા. એ દરમિયાન વરઘોડામાં અચાનક ઘોડો કાબૂ બહાર થઈ વરરાજાને લઇને ભાગી ગયો હતો. હાસ્યસ્પદ બનેલા બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇઈરલ થયો છે, જેમાં ઘોડી વરરાજાને લઈને ભાગતાં તેની પાછળ લોકો દોડતા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

મળતી માહિતી અનુસાર, રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ બનાવ બન્યો હોવાનું જોવા મળ્યું છે. જ્યારે ઘોડી વરરાજાને લઈ ભાગી રહી હતી ત્યારે એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દિવસભર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.

હારીજના રોડા ગામે ઘોડી ભડકી
હારીજ તાલુકાના રોડા ગામમાં લગ્ન પ્રસંગમાં વરઘોડામાં વરરાજાને ઘોડા પર બેસાડી ઉત્સાહના અતિરેકમાં ઘોડાને ખાટલા પર બળજબરીથી વધુ નચાવતા ભડક્યો હતો. ભડકેલી ઘોડી વરરાજાને લઇ ભાગતા જાનૈયા સહિત ઘોડી માલિક તેને પકડવા પાછળ દોડ્યા હતા. પરંતુ ઘોડી હાથમાં ન આવી વરરાજાને અડધો કી.મી દૂર લઇ જઈને પટકતા સામાન્ય ઈજાઓ થઇ હતી. સમગ્ર ઘટનાનો હાસ્યાપદ વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ડીજેના તાલે કિંજલ દવેનું ગીત વાગતું હતું ત્યારે બનાવ
રોડા ગામે દેવીપૂજક સમાજનાં 32 વર્ષીય યુવક સ્વરુપ નાનજીના લગ્ન લેવાયા હતા. લગ્નનો ઉત્સાહ વધારવા જાન જોડવાના એક દિવસ પૂર્વે શુક્રવારે બપોરના સમયે ગામમા ડી.જે.સાથે વરઘોડો કાઢ્યો હતો. જેમાં મહાકાળી માતાજીના મંદિર ચોકમાં પહોંચતા વીરા વિરાલ તારી ઉંમર છે થોડી, નાની ઉમરે ચડવું છે ઘોડી. ગીત પર ડીજેના તાલે આનંદ ઉત્સાહમાં જાનૈયાઓ ખુશીમાં નાચી રહ્યા હતા. ત્યારે ઘોડી માલિકે ડી.જે.ના તાલે ઘોડીને નચાવી સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પરંતુ ત્યારબાદ ઉત્સાહનો અતિરેકમાં ઘોડાને ખાટલા પર ચડાવી વધુ નચાવવા કરતબો કરવાની કોશિશ કરતાં ઘોડી અચાનક ભડકી હતી અને વરરાજાની સવારી સાથે ખાટલા પર નીચે આવી બેકાબુ બની હતી.

ડીજેના તાલે રોડા ગામે લગ્નના વરઘોડામાં વરરાજા ઘોડી પર બેઠો હતો
ડીજેના તાલે રોડા ગામે લગ્નના વરઘોડામાં વરરાજા ઘોડી પર બેઠો હતો

વરરાજાને સામાન્ય ઈજાઓ થઈ
ઘોડી માલિક લગામ પકડી કાબુ કરવાનો પ્રયાસ કરવા છતાં કાબુ ન થઇ વરરાજા સાથે વરઘોડામાંથી ભાગતા જાનૈયાઓ હાસ્ય સાથે બૂમો કરી પકડો-પકડો કરતા ઘોડી પાછળ દોટ મૂકી હતી. પણ ઘોડી હાથમાં ન આવતા કેટલાક લોકોએ મોટર સાયકલ પાછળ દોડાવી હતી. છતાં ઘોડી પકડાઈ ન હતી અને અડધો કી.મી દૂર દોડી રબારી વાસ આગળ ઉકરડા પર જઇ હતી અને ત્યાં વરરાજા પટકાયા હતાં. વરરાજા પટકાયા બાદ ચાલતા ચાલતા પરત વરઘોડામાં આવતા જોઈ લોકોમાં ભારે હાસ્યાપદ બન્યા હતા. ઉકેડામાં પટકાતા વરરાજાને સામાન્ય જ ઈજાઓ થતાં કૌટુંબિક સભ્યો અને જાનૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો.

ઘોડી પરથી પટકાતા વરરાજાને સામાન્ય ઈજાઓ થઈ હતી
ઘોડી પરથી પટકાતા વરરાજાને સામાન્ય ઈજાઓ થઈ હતી

ઘોડો અવાજથી નહીં લોકોના વધુ પડતા ચેનચાળાથી ભડકે છે : ર્ડા. બાબુભાઈ
ઘોડાના જાણકાર ડૉ. બાબુભાઇ પ્રજાપતિને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મોટાભાગે વરઘોડામાં જતા ઘોડાઓ અવાજથી ભડકતા નથી. તેમને એ રીતે ટ્રેનિંગ આપેલ હોય છે. ફાયરિંગ સુધીના અવાજમાં તે સ્થિર જ ઉભા રહે છે. પરંતુ આસપાસના લોકો તેને સળી કરે કે કોઈ વસ્તુ પાછળના ભાગે અડે અથવા વધારે પડતા ચેનચાળા કરે તો ગુસ્સે થઇ તે ભડકતો હોય છે. ટ્રેનિંગનો અભાવ હોય તો પણ ક્યારેક ઘોડો વરઘોડામાં ભડકીને જાનહાની કે ઈજાઓ પહોંચાડતો હોય છે.

વરરાજાના ઢીચણ છોલાઈ ગયા હતા
ઘોડો કાબુમાં ન આવી દોડતા 3 યુવાનોએ ઘોડાને પકડવા બાઇક પાછળ દોડાવ્યાં હતાં. ઘોડો પકડાય તે પહેલા જ વરરાજા પટકાતા ઢીચણ છોલાઈ ગયા હતા. સારવાર અર્થે ગામનાં સરકારી દવાખાને લઇ જતા ડાબા પગના ઢીંચણ પર માર વાગતા પાટો બાંધવામાં આવ્યો હતો. અને બીજા દિવસે ઇજાગ્રસ્ત વરરાજા જાન લઇ પરણવા ગયા હતાં. વરરાજાના પિતાએ કહ્યું હતું કે માતાજીની કૃપાથી વધુ ઈજાઓ ન થઈ હેમખેમ લગન પૂર્ણ થયા છે.