પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2017-18માં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ મામલે તેઓની સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવે તે માટે અરજદાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જે પીટીશન ને ધ્યાનમાં રાખીને મંગળવારના રોજ હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા એ.સી.બીને ફરિયાદ નોંધી તપાસ કરવા મંજૂરી આપવા આદેશ કરવામાં આવતા ફરીથી ઉતરવહી ખરીદી કૌભાંડનો આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ખરીદવામાં તત્કાલીન કુલપતિ સહિત ઇસી સભ્યો સાથે મળી મૂળ ભાવ કરતા ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી કરોડો રૂપિયાનો ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના પાટણ ધારાસભ્ય સહિત અન્ય ઈસમો દ્વારા ગંભીર આક્ષેપ મૂકી 7 વાર શિક્ષણ વિભાગ અને એ.સી.બીમાં ભષ્ટાચાર મામલે તપાસ કરવા રજુઆત કરતા સમગ્ર ઉત્તરવહી કથિત કૌભાંડ મામલો સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
છેલ્લા બે વર્ષમાં આ મામલે કોઇ તપાસ કે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દશરથ પટેલ દ્વારા એ.સી.બીમાં ફરિયાદ નોંધવા રાજ્ય સરકારની મંજૂરીની જરૂરી હોય સરકાર આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા 2019માં હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.જે મામલે ગત 29 જુલાઈએ બોર્ડ પર ચાલતા કોર્ટે ઉત્તરવહી ખરીદી મામલે રાજ્ય સરકાર તપાસ માટે એ.સી.બીને મંજૂરી આપે અને તાત્કાલિક આ મામલે તપાસ થાય તેવી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો.હાઇકોર્ટેના આદેશથી ફરી આ મામલો બહાર આવતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તત્કાલીન કુલપતિ સહિત 11 ઇસી મળી 15 લોકોએ 4 કરોડનો ભષ્ટાચાર કર્યો: ધારાસભ્ય
ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિવિધ કૌભાંડ થયા છે. ઉત્તરવહી કૌભાંડ મામલે 7 રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દશરથ પટેલ કોર્ટમાં પિટિશન કરી હતી.જેમાં 11 ઇસી સભ્યો તત્કાલીન કુલપતિ સહિત 15 લોકો મળી ખોટી રીતે ઉતરવહીઓ ખરીદી અંદાજે 4 કરોડનો ભષ્ટાચાર કરવામાં આવ્યો છે. તમામના નામ જોગ ફરિયાદ નોંધી તપાસ કરી કાર્યવાહી થાય તેવી માંગ છે.પરંતુ રાજ્ય સરકાર આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા પિટિશન ચાલી રહી હતી.જેમાં કોર્ટે તાત્કાલિક તપાસ થાય માટે એસ.સી.બી ને મંજૂરી આપવા માટે આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.