નવરાત્રિ મહોત્સવ:પાટણમાં જીવદયાના લાભાર્થે અને મહિલા બાઉન્સરો તેમજ CCTVની સિક્યુરિટી વચ્ચે હેરિટેજ ગરબાનું આયોજન

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના બે વર્ષના લાંબાગાળા બાદ પાટણ શહેરમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવાના આયોજન થયા છે. જેમાં જીવદયાના લાભાર્થે પાટણ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડાભા હોલમાં પ્રથમવાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરમાં અનેકવિધ સ્વૈચ્છિક, સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકસેવાના કાર્યોને ઉદ્દેશીને નવરાત્રિના આયોજન કરવામાં આવે છે. ત્યારે પાટણમાં પ્રથમ વખત આ વર્ષે પાટણ જીવદયા પરિવાર દ્વારા જીવદયાના લાભાર્થે હેરીટેજ ગરબા નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

હેરીટેજ ગરબાનું સુંદર આયોજન
હેરિટેજ ગરબા નાઈટ અંગે માહિતી આપતા પાટણ જીવ દયા પરિવારના આયોજકો ચિરાગ પટેલ, ધવલ રાવલ, અભી પટેલ અને વિરેન શાહ બંટી વગેરે જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં પ્રથમવાર જીવદયાના લાભાર્થે પાટણ નજીક હાંસાપુર રોડ પર ખોડાભા પાર્ટી પ્લોટ ખાતે હેરીટેજ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 7 વાગ્યે હેરીટેજ ગરબા નાઈટનું પાટણ શહેરના રાજકીય આગેવાનો અને જાણીતા વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે.

ખેલૈયાઓને રમવા માટે સ્પેશિયલ ગ્રીન લોન જમીન ઉપર પથરાશે
આ ગરબા ક્લબમાં ખેલૈયાઓને રમવા માટે સ્પેશિયલ ગ્રીન લોન જમીન ઉપર પાથરવામાં આવશે. તેમજ મહિલાઓને ખેલૈયાઓની સુરક્ષા માટે ક્લબમાં મહિલા સહિતના 15 જેટલા બાઉન્સરો તૈનાત કરવામાં આવશે. કેમ્પસમાં 40 જેટલા સીસીટીવીથી સમગ્ર રાસ ગરબા ઉપર બાજ નજર રાખવામાં આવશે. ગરબે રમવા આવતી મહિલાઓને અને પરિવારોને બેસવા માટે તેમજ આરામદાયક સુવિધાઓ મળે તે રીતે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપરાંત બાળકો માટે રમતગમતના સાધનો અને ઘોડિયા ઘરની પણ વ્યવસ્થા કરાયેલી છે.
ગરબાની આવકમાંથી મેડિકલના સાધનો લવાશે
સૌથી મહત્વનું કે, રાસ ગરબા દરમિયાન કોઈ અસામાજિક તત્વો ક્લબમાં ન આવે, કોઈ દારૂ પીધેલા ઇસમો અંદર પ્રવેશ ન કરી શકે તે માટે સ્પેશિયલ ગેટ પાસે સિક્યુરિટી ઉપરાંત લોકોની ચકાસણી માટે બ્રેથ એનેલાઈઝર મશીન રાખવામાં આવશે. નવ દિવસ દરમિયાન અલગ-અલગ પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા ગીતોની રેલમશેલ વચ્ચે રાજસ્થાનના સાઉન્ડથી ખેલૈયાઓને ગરબે રમાડી પોચાયત કરવા માટે બમ્પર ઇનામો પણ આપવામાં આવનારા છે. રોજ-બરોજ શહેર સહિત જિલ્લામાંથી મહાનુભાવો દ્વારા વિશેષ ઉપસ્થિતિમાં આરતી અને ગરબા ઉત્સવ યોજવાનુ છે. ગરબાની આવકમાંથી પશુ એમ્બ્યુલન્સ, મેડિકલના સાધનો લવાશે.

જીવદયાના લાભાર્થે આ વર્ષે ગરબા મહોત્સવનું આયોજન
હેરીટેજ નાઈટના ગરબાના આયોજક યશપાલ સ્વામી, ધવલ રાવલ જણાવ્યું હતું કે, જીવદયાના લાભાર્થે આ વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાની સિક્યુરિટી પર ખાસ ધ્યાન રાખવામાં આવશે તેમજ વાહન પાર્કિંગ અને ચાચર ચોકમાં કોઈ નશો કરીને ન આવે તે માટે ખાસ વ્યવસ્થા અને ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને સંસ્થાને જે આવક થાય તેમાંથી પશુઓની સારવાર માટે એમ્બ્યુલન્સ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...