આખરી મતદાર યાદી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ, 16 ડિસેમ્બરે કોર્ટની ચૂંટણી યોજાશે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી તારીખ 16 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની 48 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 15 મતદાર વિભાગના 18031 મતદારો મતદાન કરશે.

યુનિવર્સિટી દ્વારા ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરી યુનિવર્સિટીના પોર્ટલ પર મુકવામાં આવી છે. આ મતદાર યાદી 24 નવેમ્બરથી વેચાણથી પણ મળી શકશે.એમ યુનિવર્સિટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. યુનિવર્સિટી કોર્ટની જુદા જુદા 15 મતદાર વિભાગોની કુલ 48 બેઠકો માટે 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 15 મતદાર વિભાગોના 18031 મતદારો મતદાન કરશે. યુનિવર્સિટીની મતદાર યાદી વેબસાઈટ પર મૂકી દેવામાં આવેલ છે જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના નામ અંગે જોઈ શકશે. સેનેટના કુલ 15 મતદાર વિભાગો માટે 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે.

આ માટે તારીખ 3 નવેમ્બરે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાયાં બાદ 20 નવેમ્બરે ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. ચૂંટણી અંતર્ગત તારીખ 24 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રકો મેળવી અને રજૂ કરી શકાશે. 29 નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 30 નવેમ્બરે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. તારીખ 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી ઉમેદવારી અંગેની ફાઈનલ નોટિસ જાહેર કરવામાં આવશે અને 16 ડિસેમ્બર 2022 ના રોજ સવારે 11:00 થી સાંજે 5 સુધી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 27 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. 18 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી યુનિવર્સિટી કેમ્પસમાં મત ગણતરી યોજી પરિણામ પ્રસિદ્ધ કરાશે.

ચૂંટણીમાં રજીસ્ટર ગ્રેજ્યુએટ્સ મતદારો માટે અને ગવર્નિંગ બોડીના મતદારો માટે યુનિવર્સિટી તરફથી આઈકાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. સેકન્ડરીના ટીચર અને હેડ માસ્તર તેમજ ડોનરની ચૂંટણી ટપાલ દ્વારા થશે. આ માટે તેમને બેલેટ પેપર મોકલી આપવામાં આવશે. સમગ્ર ચૂંટણી મતદાન પ્રક્રિયા એકડા બગડાની પદ્ધતિથી યોજવામાં આવશે. યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની 48 બેઠકો માટેની ચૂંટણીમાં રજીસ્ટર ગ્રેજ્યુએટ્સ (આર્ટસ, કોમર્સ, સાયન્સ, કાયદો, મેનેજમેન્ટ, એજ્યુકેશન, હોમ સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને મેડિસિન)ની 8 બેઠકોના કુલ 18031 મતદારો નોંધાયેલ છે. ગત વખત કરતાં આ વખતે મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. સૌથી વધુ 14,443 રજીસ્ટર ગ્રેજ્યુએટ્સ છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્કૂલ ટીચરના 1666, શાળાના આચાર્યના 197, કોલેજોના શિક્ષકોના 899, આચાર્યના 69, ગવર્નિંગ બોડીઝના 123, નોન ટીચિંગ સ્ટાફના 542 અને દાતાઓના 92 મતદારોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...