હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર વિભાગના ત્રીસ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનો કાર્યક્રમ “સંભારણું-2023” યુનિવર્સિટી ના કન્વેન્શન હૉલ-3 ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સામેલ થવા વિવિધ કાર્યક્ષેત્રમાં કાર્ય કરતાં ૧૦૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ સ્નેહમિલનના કાર્યક્રમમાં સૌ પ્રથમ વિભાગના અધ્યક્ષ ડૉ. અતુલભાઈ કડિયાએ સભાખંડના મહેમાનોનો પરિચય કરાવીને સ્વાગત પ્રવચન આપેલ હતું, આ જ વિભાગના નિવૃત પ્રાધ્યાપક પ્રો. પી. જે. ભટ્ટે પ્રમુખ સ્થાને રહી ગણિતના મૂળભૂત ત્રણ હકારાત્મક અભિગમોને નકારાત્મકતા બાદ સર્વ સ્વીકૃત થયા બાબતને ખૂબજ માર્મિક રીતે પ્રસ્તુત કરી ગણિતની ગરિમાને ઉજાગર કરેલ હતી.
ત્યારબાદ આ કાર્યક્રમના અતિથિ વિશેષ અને અંગ્રેજી વિભાગના વડા પ્રો.આદેશ પાલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસો. અંગેની વિભાવના સમજાવી હતી. આ વિભાગના નિવૃત પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. એમ. બી. પ્રજાપતી ની નાદુરસ્ત તબીયત હોવા છતા પણ ઉપસ્થિત રહીને વિધ્યાર્થીઓને આશિર્વાદ આપ્યા હતા.
આ સ્નેહમિલનમાં ગણિત પર લોકભોગ્ય પ્રવચન આપતા IITRAM, અમદાવાદના ડૉ. ગૌતમ બોરીસાગરે ગણિતના બહુઆયામી ઉપયોગ એવા વિષય ઉપર ચર્ચા કરી હતી તેમજ તેમની ઇન્સ્ટીટ્યુટના આઉટરીચ પ્રોગ્રામ હેઠળ જોડાવા આહ્વાન કર્યુ હતુ.
વિભાગના અધ્યાપક ડૉ. ચિરાગ બરાસરાએ વિભાગની વર્તમાન સ્થિતિ તેમજ આગમી સમયના આયોજનથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓ પૈકી વિવિધ વર્ષના અગિયાર જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમના અંતે વિભાગના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી સર્વને આનંદવિભોર કરી દીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના તમામ અધ્યાપકો અને કર્મચારીઓએ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.