હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ દ્વારા વર્ષ 2020માં પી.એચ.ડી.ના અભ્યાસ માટે હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી હોય એમ એક વર્ષ વિતવા આવ્યુ છતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરુ થઇ શક્યુ નથી.
યુનિ . દ્વારા દર વર્ષે પીએચડીમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે ગત વર્ષે પીએચડીના જુદા જુદા 25 વિષયોમાં 665 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી શરુ કરાઇ હતી. જેમાં નેટ-સ્લેટ અને એમ.ફીલ પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી.
યુનિ. દ્વારા ગત તા. 14 ડિસેમ્બર, 2020ના રોજ પીએચડીમાં પ્રવેશ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 15 માર્ચ, 2021 સુધી ફોર્મ ભરવાની સમયમર્યાદા રાખવામાં આવી હતી. જેમાં બે વાર ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો કરાયો હતો. ત્યારબાદ તા. 17થી 20 ઓગસ્ટ, 2021 સુધી ત્રણ દિવસ સુધી જુદા જુદા વિષયોની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની ગત તા. 22 સપ્ટેમ્બર, 2021ના રોજ વાઇવાની પરીક્ષા લેવામાં આવી હતી. આ બંને પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની મેરીટ યાદી તૈયાર કરાઇ હતી. ત્યારબાદ પરીક્ષામાં પાસ થયેલા અને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી તેવા વિદ્યાર્થીઓના તા. 7થી 18 ઓક્ટોબર, 2021ના રોજ ડોક્યુમેન્ટનું વેરીફીકેશન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જે-તે વિષયના ગાઇડની ફાળવણી કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 500થી વધુ વિદ્યાર્થીઓની 9 દિવસ ઓનલાઇન અને 3 દિવસ ઓફલાઇન આમ કુલ 12 દિવસની કોર્ષવર્કની પરીક્ષા યોજાઈ હતી . આ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને જે તે વિષયના ડીન, ચેરમેન, એચઓડી યુનિ. બહારના અને યુનિ.ના બે મળી કુલ ચાર વિષય એક્સપર્ટની કમિટી સમક્ષ પીએચડીના અસાઇમેન્ટ રજુ કર્યા પછી થિસીસના ટાઇટલ નક્કી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન લેટર તૈયાર કરીને આપવામાં આવે છે પછી પીએચડીનો અભ્યાસ શરુ થાય છે .
ત્યારે હાલમાં યુનિ. ખાતે પીએચડીના એસાઇમેન્ટ સ્વીકારવાની અને વિદ્યાર્થીઓને થીસીસના ટાઇટલ આપવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. પરંતુ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા વર્ષ ડિસે. 2020માં શરુ થઇ હતી . તેને એક વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરુ થયુ નથી. જેને લઇને પીએચડી પ્રવેશની પ્રક્રિયા ગોકળગતિએ ચાલી રહી હોવાનુ શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યું છે.
વધુમાં વિદ્યાર્થીઓને પીએચડીનો રજીસ્ટ્રેશન લેટર મળ્યાને ત્રણ વર્ષની અંદર અને વધુમાં વધુ પાંચ વર્ષમાં આ કોર્ષ પુરો કરવાનો હોય છે. ત્યારે એક વર્ષ જેટલો સમય તો યુનિ. દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં જ પસાર કરી દેવામાં આવ્યો છે. જેને લઇ સમયસર પીએચડીનો અભ્યાસ શરુ થઇ શક્યો નથી .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.