હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આવતીકાલે ગુરુવારથી શરૂ થનારી લેખિત પરીક્ષાઓ માટે યુનિવર્સિટીએ કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દરેક પરીક્ષાર્થીને પીવાના પાણીની બોટલ ઘરેથી લઈને આવવાનું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત ગાઈડલાઈન અનુસાર તમામ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે તેમજ જુનીયર સુપરવાઇઝરે કોરોનાની બંન્ને રસી લીધેલી હોવી જોઇએ એમ પણ જણાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ગાઈડલાઈનમાં પરીક્ષા સમયે તમામ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવા જણાવાયું છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા સંદર્ભે અપાયેલી સૂચનાઓ મુજબ તમામ પરીક્ષા કેન્દ્ર સંચાલકોએ પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થીની પાટલી તથા તમામ પરીક્ષા ખંડ સેનેટાઈઝ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ સલામતી માટે વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ હેન્ડ સેનીટાઈઝરની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવાયું છે.
આ સિવાય પરીક્ષા કેન્દ્રો પર કેન્દ્ર સંચાલકે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ સાથે સુચારૂ રીતે કરવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતી વખતે દરેક વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર સ્ક્રીનીંગ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જુનીયર સુપરવાઈઝરે કોરોનાની બંન્ને રસી લીધેલી હોવી જોઈએ તથા તે સંબંધિત આધાર પુરાવા સાથે રાખવાના રહેશે. એક બ્લોકમાં 30 થી વધુ વિદ્યાર્થીઓ બેસાડવા નહી, એક પાટલી પર ફકત એક જ વિદ્યાર્થીને બેસાડવો તેમજ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને ઝીગઝાગ બેસાડવા અને બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછુ ત્રણ ફૂટ અંતર રાખવા જણાવાયું હતું.
આ સિવાય ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની તથા દરેક પરીક્ષાર્થીએ માસ્ક પહેરેલ છે કે નહીં તેની ચકાસણી સિનિયર સુપરવાઈઝરે કરવાની રહેશે. જો માસ્ક પહેરેલ ન હોય તો સરકારના નિયમો અનુસાર દંડ પરીક્ષા કેન્દ્ર વસુલી શકશે. પરીક્ષા કેન્દ્ર બહાર પણ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તેની તકેદારી લેવા તથા Entry અને Exitના ગેટ અલગ અલગ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. શક્ય હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રને પણ પરીક્ષાઓ બાબતે જાણ કરવા જણાવાયું હતું. પરીક્ષા કેન્દ્રએ સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફ્ટીની તકેદારી પણ રાખવાની રહેશે એમ યુનિવર્સિટીની ગાઈડલાઈનમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.