હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સરકારના વાર્ષિક કેલેન્ડર મુજબ નવીન શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં સ્નાતકના પરિણામો જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો હોય હજુ સુધી નવા સત્રમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.જેથી ઉ.ગુ ના એક લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે આતુરતાથી રાહ જોવા મજબૂર બન્યા છે.તો બીજી તરફ પરિણામો જાહેર થયા ના હોય અન્ય યુનિવર્સિટીઓમાં પણ પ્રવેશ ના લઈ શકતા છાત્રોની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થવા પામી છે.
પરિણામ જાહેર થવામાં વિલંબ થતા પ્રવેશ પ્રક્રિયા મોડી થઈ
યુનિવર્સિટીમાં આ વર્ષે ઓબ્ઝર્વેશન માટે આપવામાં આવેલી ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થઈ વિગતો પરીક્ષા વિભાગમાં જમા ના થતા જુલાઈ મહિનાના અંત સુધી સ્નાતક અભ્યાસક્રમના બીકોમ અને બીએસસીના પરિણામો જાહેર થઈ શક્યા નથી.જેના કારણે કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ આપવાની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ ના થતા હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા પામ્યું નથી.જેને લઇ નવીન વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેમજ આ સત્રમાં અભ્યાસક્રમ પૂર્ણ ના થાય અથવા પરીક્ષાઓ યોગ્ય સમય ના લેવાય તેવી પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી નવીન સત્ર શરૂ કરવામાં આવે તેવી હજારો વિદ્યાર્થીઓની માંગ ઉઠી છે.
હવે ઓગસ્ટના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની સંભાવના
યુનિવર્સિટીના કુલપતિ જે.જે.વોરાએ જણાવ્યું હતું કે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં વિલંબ થયો છે. સરકારની સૂચના હતી કે 28 જુલાઈએ નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય પરંતુ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ના થતા કરી શકાયું નથી.ઝડપથી બાકી રહેલ બી. કોમ અને બીએસસી ના પરિણામો જાહેર કરીને ગણતરીના દિવસોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને સત્ર થોડુંક મોડું શરૂ થતા જરૂર પડશે તો અભ્યાસક્રમ પૂર્ણ થાય તે માટે એક્સ્ટ્રા અભ્યાસક્રમ કોલેજોમાં કરાવવામાં આવે તેવી વ્યવસ્થા કરાવીશું અથવા સત્ર લંબાવું પડે તો લંબાવીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.