હવામાન:સવારે-બપોરે ગરમી, સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.ના 23 તાલુકાઓમાં વરસાદ, દાંતામાં વીજળી પડતાં માલધારી અને 50 બકરાંના મોત, પોશીનાના દોતડમાં 5 પશુનાં મોત

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયા બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને બે દિવસથી છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં શનિવારે સાંજે 6 થી રવિવાર સાંજના 6 વાગે પૂરા થતા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણામાં પોણા બે ઇંચ, જોટાણા અને પાલનપુરમાં દોઢ ઇંચથી વધુ તેમજ ભિલોડા, પોશીના અને ખેરાલુમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

રવિવારે પાટણ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સરસ્વતી તાલુકાના અજુજા ગામે વૃક્ષ પર કડાકા સાથે વીજળી પડતા વૃક્ષના છોતરા નીકળી ગયા હતા. પાટણ જિલ્લામાં શનિવારે પડેલા વરસાદને પગલે કપાસ અને દિવેલાના પાકને નુકસાન થયું હતું. બીટી કપાસ પર રૂ પલડી જતા નુકસાન થયું છે તેમજ પીળો પડવાના કારણે તેના વિકાસ પર માઠી અસર થવાની સ્થિતિ સર્જાઇ છે.વરસાદના કારણે કપાસ દીવેલા સહિતના ખેતી પાકો પર માઠી અસર પડી રહી છે.

સરસ્વતીના વદાણી નજીક ઈકો પર વૃક્ષ પડતા ડ્રાઈવરને ઈજા
નાયતા | શનિવારે બપોરે સરસ્વતીના મેસર ગામના ઠાકોર ભરતજી કમશીજી ઈકો ગાડી લઈને મેસરથી વદાણી ગામે કામકાજ અર્થે જઈ રહ્યા હતા. વદાણી રોડ પર અચાનક વાવાઝોડા સાથે વરસાદ પડતા મોટું વૃક્ષ ઈકો પર ગાડી દટાઈ ગઈ હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવી ચાલકને બહાર કાઢ્યા હતા. ડ્રાઈવર ભરતજી ઠાકોરને મણકાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પાટણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

વીજળી પડવાથી દાંતામાં માલધારી અને 50 બકરાંના મોત
દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે એકાએક વીજળી પડતા માલધારી યુવક સહિત 50 બકરાંના મોત નીપજ્યા હતા. અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ભચડીયા ગામના માલધારી સમાજના આગેવાન કેવળભાઈ દેસાઈના જણાવ્યા મુજબ અડેરણ (ત) ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી (35) અને તેમનો ભાઈ બકરાં ચરાવવા રવિવારે માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા. સાંજના સુમારે એક ભાઈ બકરાં લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો. પરંતુ બીજો ભાઈ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનો ડુંગર વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરી હતી. જ્યાં વીજળી પડવાથી ચમનભાઈ સહિત 50 બકરાના મોત નીપજ્યા હોવાનુ જોવા મળ્યું હતું.

પોશીનાના દોતડમાં વીજળી પડતાં 5 પશુનાં મોત
પોશીના તાલુકાના દોતડ ગામમાં રવિવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો તેવામાં તરાલ નવલાભાઈ રાજભાઈના ખેતર માં સાંજના સુમારે વીજળી પડવાથી 3 ગાયો અને 2 વાછરડા સહિત કુલ 5 પશુના મોત થતા પશુપાલક પર આભ તૂટી પડ્યું હતું.

ચાણસ્મામાં રોડ પર ઝાડ પડતાં રસ્તો બંધ
ભારે પવનના કારણે ચાણસ્મા શહેરના હારિજ તરફ જવાના રોડ ઉપર મોટું ઝાડ પડતાં રસ્તો બંધ થયો હતો. તંત્ર દ્વારા ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...