પાટણ જિલ્લા પંચાયત ખાતે આઇસીડીએસની આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી પ્રક્રિયા અંતર્ગત વાંધા અરજીવાળા ઉમેદવારોની રૂબરૂ સુનાવણી ડીડીઓ, નાયબ ડીડીઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને આંકડા અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં 87 વાંધા અરજીઓ પૈકી 64 મહિલા અરજદારોએ રૂબરૂ ઉપસ્થિત રહી તેમની રજુઆત કરી હતી. તમામ ઉમેદવારોને સીસ્ટમમાં કોઈ ભૂલ નથી તે માટે તેમની રૂબરૂમાં ઓનલાઈન પોર્ટલ ખોલીને બતાવવામાં તેમજ સમજાવવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર અને તેડાગરની 288 જગ્યાઓની ઓનલાઈન ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 1510 અરજીઓ આવી હતી. આ ઓનલાઈન ભરતી પ્રક્રિયા અંતર્ગત તા. 15-3 થી 4-4- 2022 સુધી એટલે કે, 21 દિવસમાં અરજી કરેલ હોય તેમાં સુધારો થઈ શકે તે માટે 10 દિવસમાં વાંધો હોય તો અરજી કરવા અરજદારોને તક આપવામાં આવી હતી, જેમાં 87 પૈકી 64 ઉમેદવારો તેમનો પક્ષ રજૂ કરવા રૂબરૂ સુનાવણીમાં હાજર રહ્યા હતા.
આ અરજદારોને ઓનલાઈન અરજી દરમિયાન રાજ્ય સરકારના ઓનલાઈન પોર્ટલ મુજબ તેમની અરજી છે કે નહીં તે બતાવવા અને તેનું કારણ જાણવા બોલાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નાયબ ડીડીઓ પલ્લવી બારૈયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી અને આંકડા અધિકારી ચૌધરીબેન તેમજ તમામ તાલુકા અધિકારીઓની ઉપસ્થિતિમાં સુનાવણી યોજાઈ હતી.
આજની સુનાવણી દરમિયાન ઉમેદવારોએ રજૂ કરવાના થતા પ્રમાણપત્ર અધૂરા આપ્યા હોય, ઉમેદવાર જે તે વોર્ડના ન હોય, ધો.10 ત્રણ ટ્રાયલે પાસ કરેલ હોય અને બેની જ માર્કશીટ અપલોડ કરી હોય, જાહેરાતમાં દર્શાવ્યા મુજબ સ્વઘોષણા ફોર્મ માંગેલ તે મૂક્યું ન હોય, સેમેસ્ટર અપલોડ કરવામાં ભૂલ કરી હોય, માર્કસના ટોટલમાં ભૂલ હોય એવી વિવિધ પ્રકારની ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું હતુ.
આ વાંધા અરજીઓની અપીલ એટલે કે સુનાવણી અંતર્ગત તબક્કાવાર દરેક તાલુકાના ઉમેદવારોને વ્યક્તિગત બોલાવીને તેમને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો સાંભળીને પોર્ટલ ખોટું નથી કે સીસ્ટમમાં કોઈ ભૂલ નથી તે બતાવવા ઓનલાઈન પોર્ટલ ખોલીને તેમને રૂબરૂ બતાવી તેમને સાંભળવામાં અને સમજાવવામાં આવ્યા હતા. જ્યારે ક્યાંય મહેસુલી ગામ હોય તો તે પૂરતા અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી.
રૂબરૂ સુનાવણી દરમ્યાન બહેનો દ્વારા અપીલ કમિટી સમક્ષ વિવિધ પ્રકારના કારણો રજૂ કરવામાં આવ્યા હતા. હવે આગામી સમયમાં જેઓ મેરીટમાં એકથી ત્રણ નંબરે હોય તેમના અસલ સર્ટિફિકેટોની ચકાસણી કરવામાં આવશે અને મંજુર થયેલ અરજીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.ઓનલાઈન મેરિટ મુજબ 1 થી 3વાળાને બોલાવવામાં આવશે. એમ આઈસીડીએસ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.