તબીબી નગરી તરીકે આગવી ઓળખ ઉભી કરનારા પાટણ શહેરમાં અંદાજિત રૂ. 3 કરોડના ખર્ચે નવ નિમૉણ પામેલા પાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડક્રોસ ભવન, ડો. મોહનભાઈ એસ. પટેલ બ્લડ બેંક, ઈન્દિરા દેવદત્ત જૈન ડાયગ્નોસ્ટિક સેન્ટર તેમજ ડો. હેમચંદ્રભાઈ વિરાભાઈ પટેલ દાંત અને આંખ વિભાગ સહિતની આરોગ્ય લક્ષી સેવાઓ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓની માહિતી પ્રદાન કરવા સોસાયટીના કાયૅવાહકોએ ગઇકાલે મંગળવારે રાત્રે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સહિત પાટણના જાણીતા તબીબો સાથે વિચાર વિમર્શ બેઠકનું આયોજન કર્યું હતું.
બેઠકની શરૂઆતમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના સેક્રેટરી ડો. મોનિષ શાહે શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના ચેરમેન ડો. જે.કે.પટેલે પાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે જાણકારી પ્રદાન કરી હતી. કોરોનાની મહામારી દરમિયાન કરવામાં આવેલી સેવાઓ, બ્લડ ડોનેટની કામગીરી બદલ સોસાયટીને મળેલા એવોર્ડ અંગેની જાણકારી આપી હતી.
ડો. મોહનભાઈ પટેલે પાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત અદ્યતન ટેકનોલોજી સાથે કાયૅરત બ્લડ બેંક અને કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રાપ્ત થનારી બ્લડ ડોનેટ એમ્બ્યુલન્સ વાનની માહિતી આપી લોકો વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ બને અને પ્રસંગોપાત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા સિનિયર પત્રકાર રાજુ સોનીએ પાટણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની આરોગ્ય લક્ષી સેવાઓની સરાહના કરી રૂ. 11 હજારની સખાવત જાહેર કરી હતી. તેમજ આગામી દિવસોમાં પાટણ શહેર અને જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીને સહિયોગી બનવા પાટણ જિલ્લાનું મીડીયા હંમેશા તત્પર બની રહેશે તેવી ખાતરી આપી હતી.
આ બેઠકમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના ડો.સોમભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, મહેશભાઈ, કિરીટભાઈ ખમાર સહિત પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો, શહેરના સેવાભાવી તબીબોએ ઉપસ્થિત રહી વિચાર વિમર્શ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.