પાટણમાં સુશાસન સપ્તાહ ઉજવણીના જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરની દહેશતને ધ્યાનમાં રાખી પાટણ સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા કોવીડ-19 સહિતના વિવિધ આરોગ્યલક્ષી વિભાગોની મુલાકાત કરી હતી. તેમજ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ સાથે ચિંતન કર્યું હતું.
પાટણ એપીએમસી હોલ ખાતે આજરોજ યોજાયેલા સુશાસન સમાહ ઉજવણીના કાર્યક્રમને પૂર્ણ કર્યા બાદ આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલે પાટણ જનરલ સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ સીવીલ હોસ્પિટલમાં કાર્યરત કરાયેલા કોવીડ-19ના વોર્ડની મુલાકાત કરી હોસ્પિટલનાં સીવીલ સર્જન સહિત અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
વધુમાં એમીક્રોન વોરીઅન્ટના નવા વાયરસ સાથે વધતા જતા કોરોનાના કેસને લઇ કોવીડ-19ના વોર્ડમાં દર્દીઓ માટે શું શું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે અંગે વિશેષ સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત આરોગ્યમંત્રીએ ડાયાલીસીસ સેન્ટર તેમજ સીવીલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત કરાયેલા ઓકસીજન પ્લાન્ટની મુલાકાત કરી હતી અને આવનારી કોરોનાની સંભવિત લહેરમાં દર્દીઓને કોઇપણ જાતની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તમામ આરોગ્યલક્ષી સેવાઓ સુપેરે પુરી પાડવા ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે પાટણ શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.