• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Health Department Team Initiates Proceedings Over Famous Doctor's Degree In Patan, Notice Issued Outside Gate Not To Start Hospital

ડોક્ટરની ડિગ્રીનો વિવાદ:પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડોક્ટરની ડિગ્રી મામલે આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી, હોસ્પિટલ શરૂ ના કરવા ગેટ બહાર નોટિસ લગાવાઈ

પાટણ17 દિવસ પહેલા
ડોક્ટરે હોસ્પિટલના બોર્ડ ઉતારી દીધા
  • ડોક્ટરે હોસ્પિટલના બોર્ડ ઉતારી હોસ્પિટલ બંધ કરી દેતા શહેરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો
  • હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ ના કરવા તેમજ સાધન હટાવવા નહીં તેવી નોટિસ લગાવવામાં આવી

પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડોક્ટરની ડિગ્રી મામલે શરૂ થયેલા વિવાદ અંગે કલેક્ટરના આદેશથી આરોગ્ય વિભાગની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો. તાલુકા હેલ્થ વિભાગની ટીમ તપાસ માટે હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલ બંધ હોય ડૉકટરનો સંપર્ક ન થતાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના ગેટ બહાર ડિગ્રીની વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ ના કરવા તેમજ સાધન હટાવવા નહીં તેવી નોટિસ લગાવવામાં આવી છે. ડોક્ટર દ્વારા બીજા દિવસે હોસ્પિટલના નામ ના બોર્ડ ઉતારી રફૂચક્કર થઈ જતાં આ મુદ્દો શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

ડૉકટર હોસ્પિટલ બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયા

પાટણ જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ હોસ્પિટલના એમ.ડી ફિઝિશિયન ડૉ. યોગેશ પટેલના મેડિકલ કાઉન્સિલમાં કરાવેલા રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં તેમની ડૉક્ટરની ડીગ્રી તેમજ તેમના ડોક્યુમેન્ટનાં નામમાં વિસંગતતા હોય પ્રાથમિક દ્રષ્ટિએ તેમની ડિગ્રી ન હોવાનું પાટણ આઇ.એમ.એ કમિટી દ્વારા ગુજરાત મેડિકલ કાઉન્સિલને જાણ કરી વોટ્સએપ ગૃપમાંથી રિમુવ કરતા સમગ્ર મામલો શહેરમાં બહાર આવ્યો હતો. જેથી ડૉકટર બુધવારથી હોસ્પિટલ બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયા છે.

લોકોના આરોગ્યની સાથે ચેડાં થતાં હોવાના આક્ષેપ સાથે આવેદન પાઠવાયું

ગુરુવારે પાટણ મેડિકલ એસોસિયેશન દ્વારા લોકોના આરોગ્યની સાથે ચેડાં થતાં હોવાના આક્ષેપ સાથે ડૉક્ટરની ડિગ્રી મામલે ચકાસણી કરી કાર્યવાહી કરવાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાન પાટણ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સાંજે હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પરંતુ હોસ્પિટલને તાળું મારી બંધ કરી ડૉકટર હાજર ન મળી આવતા ટીમ દ્વારા હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર ડોક્ટરની ડિગ્રી મામલે વેરીફિકેશન કરવા અને આરોગ્ય વિભાગની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવી નહી તેમજ કોઇ પણ સાધન સામગ્રી કે ડોક્યુમેન્ટ્સ છેડછાડ કરવી નહી. તેવી નોટિસ લગાવવામાં આવી છે.

ડિગ્રી વેરિફિકેશન પહેલાં હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ નહી કરી શકે: કલેકટર

ઈન્ચાર્જ કલેક્ટર ડી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે, મેડીકલ એસો. દ્વારા ડૉ.યોગેશ પટેલ પાસે MBBS કે MD જેવી ડૉકટરની ડીગ્રી ન હોવા છતાં હોસ્પિટલ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની રજૂઆત કરવામાં આવતા લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઇ ટી.એચ. ઓને ટીમ સાથે સ્થળ ઉપર મોકલી તપાસ કરાવવામાં આવી છે. જેમાં ડૉકટર સ્થળ પર હાજર ના મળી આવતા હાલમાં હોસ્પિટલ બંધ હોય જ્યાં સુધી ડોક્યુમેન્ટની ચકાસણી ન થઇ જાય ત્યાં સુધી કોઈ કાનૂની કાર્યવાહી થઇ શકતી ન હોય હાલમાં હોસ્પિટલમાં નોટિસ મારી ડૉકટરને ડિગ્રી અને ડોક્યુમેન્ટ આરોગ્ય વિભાગમાં રજુ કરી ચકાસણી કરાવવા અને જવાબ રજુ કરવા જણાવાશે.

તેમજ જ્યાં સૂધી વેરિફિકેશન ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવી નહિ અને હોસ્પિટલના ઈસ્ટુમેન્ટ કે ડોક્યુમેન્ટમાં હટાવવાના નહિ તેવી નોટિસ મારફતે જાણ કરવામાં આવી છે. તેમને ડોક્યુમેન્ટ અને ડિગ્રી જોયા બાદ જો કોઈ ખોટું હશે તો હોસ્પિટલ સીલ કરવા ઉપરાંત જે કાનૂની કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...