હર્ષોલ્લાસ સાથે દિવાળી ઊજવી:આજે ઉમંગ સાથે નવા વર્ષનાં વધામણાં,તંદુરસ્તી મુબારક

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લા વાસીઓએ ઘરે-ઘરે દીવડાં પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે દિવાળી ઊજવી,આજે શુભેચ્છાઓ પાઠવશે
  • ​​​​​​​પાટણના કાળકા માતા મંદિરે મેળા સાથે શુક્રવારે વિક્રમ સંવત નૂતન વર્ષ 2078નો પ્રારંભ થશે, મંદિરોમાં ભક્તોની ભીડ રહેશે

પાટણ જિલ્લામાં વિક્રમ સંવત 2077ની વિદાય વેળાએ ગુરૂવારે દીપાવલી પર્વની હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. જિલ્લા વાસસઓએ ઘરે ઘરે દીવડાં પ્રગટાવી ઝગમગતી રોશની કરી ઉજાસ પાથર્યો હતો. વેપારીઓએ શુભ મુહૂર્તમાં શારદાપૂજન, ચોપડા પૂજન કર્યું હતું. શુક્રવારે પાટણ શહેરના કાળકા માતા મંદિરે મેળા સાથે વિક્રમ સંવત 2078નો પ્રારંભ થશે.

શુક્રવારે વિક્રમ સંવત 2078ના નવા વર્ષના વધામણા સાથે પાટણ જિલ્લાના ધાર્મિક સ્થળોએ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે. શહેરમાં દિવાળીના અવસરે માર્કેટયાર્ડ, જીઆઇડીસીમાં દિવસ દરમિયાન શુભ મુહૂર્તમાં વેપારીઓએ રોજમેળ, ચોપડા, નામાવલીનું પૂજન કરી માતા સરસ્વતી, લક્ષ્મી માતાની પૂજા કરી નવું વર્ષ મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

પેઢીઓ, દુકાને હારતોરા કરી ચોપડા પૂજન, કોમ્પ્યુટર, લેપટોપને ચાંલ્લા કરી પૂજન અર્ચન કર્યાં હતાં. વેપારીઓ તા.9ને મંગળવારે લાભપાંચમના દિવસે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલશે.પાટણ જિલ્લા વાસીઓ નવા વસ્ત્રો ધારણ કરી મોં મીઠા કરી વધાવવાની પરંપરા મુજબ જિંદગીના સારા નરસા સંજોગોને ભૂલીને તમામ વર્ગના લોકો દ્વારા દિપોત્સવની ઉજવણી કરાઇ હતી.

ભૈરવ મંદિર અને પારેવા વીરનો મેળો બંધ રહ્યો
નવા વર્ષમાં શહેરમાં બેસતા વર્ષના દિવસે કાળકા માતાનો મેળો ભરાય છે. ભૈરવ મંદિર અને પારેવા વીરનો મેળો બંધ રહ્યો છે. સિંધવાઇ માતા તેમજ ફુલણીયા હનુમાનના દર્શનનો પણ મહિમા છે. કારતક સુદ ચૌદસથી પદમનાથ ભગવાનના સપ્ત રાત્રી મેળા પછી ખાન સરોવર પાસે બહુચરમાનો મેળો તેમજ જૈન સમાજ દ્વારા પટનો મેળો ભરવાની પરંપરા છે.

અન્ય સમાચારો પણ છે...