દેશભરમાં ડંકો વગાડ્યો:હાજીપુરની નિરમા ઠાકોર 500 ખેલાડીઓને હરાવી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં પ્રથમ નંબરે આવી, કહ્યું- દેશ માટે દોડવાનું સ્વપ્ન એજ એક મારુ લક્ષ્ય

પાટણ7 દિવસ પહેલા
  • નિરમા ઠાકોરે વર્ષ 2019નો પોતાનો રેકોર્ડ તોડી 2021માં સતત બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન જીતી
  • 42.195 કી.મીની દોડપોણા ત્રણ કલાકમાં પૂરી કરી દેશભરમાં ડંકો વગાડ્યો

પાટણના હાજીપુર ગામની દોડની ખેલાડી નિરમા ઠાકોર ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ઇન્દિરા ફૂલ મેરેથોન દોડમાં 42.195 કિ.મીની દોડ ફક્ત 2 કલાક અને 50 મિનિટમાં દોડીને ભારતભરમાં પ્રથમ સ્થાન મેળવી 2 લાખનો રોકડ પુરસ્કાર મેળવ્યો છે. ભારતભરના ખેલાડીઓમાં સૌ પ્રથમ નંબર મેળવી પાટણનું નામ રોશન કરતા રાજ્ય સહિત જિલ્લા વાસીઓમાં આનંદ સાથે ગૌરવની લાગણી જોવા મળી હતી.

42.195 કિ.મીની દોડ પોણા ત્રણ કલાકમાં પૂરી કરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શુક્રવારે 36મી ઇન્દિરા ફૂલ મેરેથોન દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી પાટણના હાજીપુરની દોડની ખેલાડી નિરમા ભરતજી ઠાકોર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 500 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં લાંબી દોડની સ્પર્ધામાં સૌથી વધુ 42.195 કિ.મી 2 કલાક 50 મિનિટમાં નિરમા ઠાકોર દોડ પૂર્ણ કરી સૌપ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જે બદલ તેને રોકડ બે લાખ રૂપિયાનું પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યું હતું.

અત્યારે નિરમા નાસિકમાં તૈયારીઓ કરે છે
સમગ્ર દેશના દોડવીરોને મેદાનમાં પાછળ છોડી સૌપ્રથમ નંબર મેળવી દેશભરમાં પાટણનું નામ રોશન કરતા ગામ સહિત જિલ્લા વાસીઓમાં નિરમા ઠાકોર પ્રત્યે ગૌરવની લાગણીઓ છલકાઈ હતી. હાલમાં નિરમા નાસિકમાં તૈયારીઓ કરી રહી છે. દેશનું દુનિયામાં નામ રોશન થાય અને દેશનું પ્રતિનિધિત્વ કરી વર્લ્ડ લેવલની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરવાનું તેનું સ્વપ્ન છે.

દેશ માટે દોડવાનું સ્વપ્ન એજ એક મારુ લક્ષ છે: નિરમા ઠાકોર
વિજેતા ખેલાડી નિરમા ઠાકોરે જણાવ્યું હતું કે, મેરેથોનમાં વિજેતા બની તેની મને ઘણી બધી ખુશી છે, પરંતુ સાથે હજુ મેરેથોન સ્પર્ધામાં ટાઈપિંગ ઘટાડો કરવાનું મારું લક્ષ છે અને દેશ માટે વર્લ્ડ યુનિવર્સિટીની પરીક્ષામાં ભાગ લઇ દેશનું નામ રોશન કરવાનું મારું સ્વપ્ન છે. જે હું અવશ્ય પૂરું કરીશ અને તેની માટે તૈયારી પણ કરી રહી છું. હું દરેક દીકરીઓને કહેવા માગું છું કે સપના જુઓ અને પૂરા કરવા માટે તનતોડ મહેનત કરવા આગળ આવો સપના અવશ્ય એક દિવસ પૂરા થશે.

નિરમા બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન જીતી
સ્થાનિક કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પૂના ખાતે 2019માં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરેથોન સ્પર્ધામાં નિરમાએ 41 કિ.મી 3:09 કલાકમાં પૂર્ણ કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારે ફરી બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં 42 કિ.મી 2 : 50 કલાકમાં પૂર્ણ કરી 19 મિનિટનો ઘટાડો કરી સતત બીજીવાર મેરેથોન જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

નિરમાના માતા-પિતા ખેતી કામ કરે છે
રમેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, પાટણના હાજીપૂર ગામમાં ભરતજી ઠાકોરનું માધ્યમ વર્ગનું પરિવાર છે. જેમા નિરમાબેન સહિત બે બહેનો અને એક ભાઈ રહે છે. માતા-પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. નિરમાની જેમ બીજી યુવતીઓને પણ રમતગમત ક્ષત્રમાં બહાર આવવું જોઈએ જેથી યુવતીઓ પણ આગળ વધી શકે.

અન્ય સમાચારો પણ છે...