રાજ્યની સહકારી સંસ્થા ગુજકોમાસોલની 32 બેઠકની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપના જ બે આગેવાનોએ ઉમેદવારી નોંધાવતા પાટણ બેઠક બિનહરીફ થઇ શકી નથી. બંને ઉમેદવારોએ ભાજપના મેન્ડેટ માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ પક્ષે સ્નેહલ પટેલને મેન્ડેટ આપ્યો છે. ત્યારે હરીફ ઉમેદવાર રાજુભાઈ કટારીયાએ પણ ચૂંટણી લડી લેવાનો મુડ બનાવી ઉમેદવારી પરત ન ખેંચતા ભાજપના બંને આગેવાનો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે.
પાટણ બેઠક બિનહરીફ ન થતા સહકારી ક્ષેત્ર અને ભાજપ સંગઠનમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ચૂંટણી 19 જુનના રોજ અમદાવાદ નવરંગપુરા ગુજકોમાસોલ ઓફિસ ખાતે મતદાન યોજાશે. પાટણ બેઠક માટે ગુજકોમાસોલમાં નોંધાયેલી મંડળીના 28 પ્રતિનિધિ મતદાન કરી શકશે.
ગુજકોમાસોલ ના 32 ડિરેકટરોની ચૂંટણી જાહેર થતાં પાટણ જિલ્લામાં ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો છે કારણકે પાટણ બેઠક પર ભાજપના બે આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી સ્નેહલ ભાઈ રેવાભાઇ પટેલ અને તાલુકા ખરીદ વેચાણ સંઘ શંખેશ્વર ના ચેરમેન રાજુભાઈ ધનાભાઈ કટારીયા એ ઉમેદવારી નોંધાવી છે. બંને આગેવાનોએ ભાજપના મેન્ડેટ માટે પ્રયત્ન કર્યા હતા જેમાં પક્ષે સ્નેહલભાઈ ને મેન્ડેટ આપ્યો છે. રાજુભાઈ કટારીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સમી ના ડિરેક્ટર છે તેમના ભાઈ ભલાભાઇ કટારીયા શંખેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ છે.
ત્યારે રાજુભાઈ કટારિયા ને મેન્ડેટ મળે તે માટે પ્રદેશ ભાજપ સુધી પ્રયાસો થયા હતા. પરંતુ સ્નેહલ પટેલ ને મેન્ડેટ મળતા કેટલાક આગેવાનોએ પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી પટેલ સામે ઈશારો કર્યો હતો. જોકે પક્ષનો મેન્ડેટ ન મળતા ભાજપના સહકારી આગેવાન રાજુભાઈ કટારીયા એં ચૂંટણીમાં પાછી પાની કરી નથી તેમણે તેમની ઉમેદવારી યથાવત રાખતા બંને આગેવાનો વચ્ચે કશ્મકશ નો જંગ જામ્યો છે.
કહેવા છતાં ફોર્મ પરત ન ખેંચતા પાર્ટી પગલાં લેશે: પ્રમુખ જિલ્લા ભાજપ દશરથજી ઠાકોર
ગુજકો માસોલ ની ચૂંટણીમાં સ્નેહલ પટેલ ને ભાજપે મેન્ડેટ આપ્યો છે. તેમને( રાજુભાઈ) ને ફોર્મ પરત ખેંચવા માટે નું કહેવા છતાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું નથી. તો તેમની પર પાર્ટી પગલા લેશે પાર્ટીનો જે આદેશ મળશે તે પ્રમાણે પગલા લેવામાં આવશે.
મને વારંવાર અન્યાય થયો એટલે ઉમેદવારી પરત ન ખેંચી: ઉમેદવાર રાજુ કટારીયા
હું ભારતીય જનતા પાર્ટી સાથે જનસંઘ વખતથી સંકળાયેલો છું ગુજકો માસોલની ચૂંટણી લડવા ભાજપના મેન્ડેટ માટે પૂરો પ્રયત્ન કર્યો હતો પાર્ટીને વિનંતી કરી હતી છેલ્લે સુધી નક્કી હતું પરંતુ પછી ફેરફાર થયો ગમે તે રીતે ફેરફાર થયો હોય સમી માર્કેટયાર્ડની ચૂંટણીમાં મારી પાસે બહુમતી સભ્યો હતા છતાં પાર્ટીના કહેવાથી ચેરમેન બનવાની તક છોડતી હતી તે વખતે બીજી વખત મદદ કરવાનું મને કહ્યું હતું છતાં આ વખતે પણ તક ના આપી મેનેજમેન્ટ માટે કાર્યકરોએ છેક પ્રદેશ સુધી પ્રયત્નો કર્યા હતા. વારંવાર અન્યાય થયો અને ઉમેદવારી પરત ખેંચવા કોઈએ આદેશ કર્યો ન હતો કે મારે કોઈનો સંપર્ક પણ થયું ન હતો એટલે ઉમેદવારી પરત ખેંચી નહીં. મતદારોની લાગણી હોઈ ચૂંટણી લડી રહ્યો છું પરંતુ આજે પણ પાર્ટી સાથે સંકળાયેલો છું.
ઉમેદવારી પરત ખેંચાવવા ભાજપ સંગઠનને પ્રયત્ન કર્યો હતો: ઉમેદવાર સ્નેહલ પટેલ
રાજુભાઈ ઉમેદવારી પરત ખેંચે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના માધ્યમથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતા સંપર્ક થઇ શક્યો ન હતો. જ્યારે મેં જિલ્લા ભાજપમાં ચૂંટણી લડવા માટે માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.