જૂની ગટરો અપગ્રેડ કરાશે:પાટણમાં ભુગર્ભ ગટરો નાંખવા માટે રૂ.40 કરોડનો પ્રોજેક્ટ જીયુડીસી દ્વારા મંજૂર કરાયો, ગુરૂવારથી સર્વે હાથ ધરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટીપી પ્લાન્ટમાંથી પાણી લેતા ખેડૂતોને મોટી રાહત રૂ. 12 હજારના બદલે હવે 1હજારનો જ ચાર્જ લેવાશે

પાટણ શહેરમાં વર્ષો પૂર્વે એટલે કે, 40 વર્ષ પૂર્વે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાંખવામાં આવેલી ભુગર્ભ ગટરોને આજની અને ભવિષ્યમાં શહેરનાં વિકાસને ધ્યાને રાખીને તેને અપગ્રેડ કરવા માટે તૈયાર થઇ રહેલા ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) બનાવવામાં આવે તે પહેલાં શહેરનાં તમામ વોર્ડમાં એજન્સી દ્વારા તેનો સર્વે ગુરુવાર હાથ ધરાશે. શહેરમાં ભુગર્ભ ગટરો નાંખવા માટે રૂ.40 કરોડનો પ્રોજેક્ટ જીયુડીસી દ્વારા મંજૂર કરાયો છે. આ સર્વેની કામગીરી જીયુડીસી દ્વારા હાથ ધરાશે. પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી ભુગર્ભ ગટર કમિટી ચેરમેન જયેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો.

આ બેઠકમાં પાટણ શહેરનાંભુગર્ભ ગટરનાં પાણી જે સ્થળે ઠલવાય છે તે માખણીયા વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)માં શુદ્ધ થયેલાં ભુગર્ભ ગટરનાં પાણીને રિસાયકલ કરી તેને ખેતી વિષયક કામો માટે ઉપયોગમાં લેવા માટે, ખેડૂતોને અત્યાર સુધી વાર્ષિક રૂપિયા 12 હજારનો ચાર્જ લઇને અપાતું હતું. જે ખેડૂતોને પોષણક્ષમ ન હોવાથી તેઓ એસ.ટી.પી.નું ફિલ્ટર પાણી ખેતી માટે ખરીદતા નહોતા. તેની આ ઉદાસિનતાને દુર કરવા માટે પાટણ નગરપાલિકાએ આ ચાર્જમાં ધરખમ ઘટાડો કરીને રૂ. 1 હજારનો ચાર્જ લેવાનું બેઠકમાં નક્કી કરાયું હતું.

આ ઉપરાંત આ એસ.ટી.પી. પ્લાન્ટમાં ગટરનાં પાણીનું ફિલ્ટરેશન કર્યા બાદ તેનાંથી નિકળતા કાદવ કે સ્લરી જેવા પદાર્થને ખેડૂતોને ત્રણ વર્ષ માટે હરાજીથી આપવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત પાટણનાં બહુચર પંપીંગ સ્ટેશન ઉપર ભુગર્ભ ગટરનાં પાણી ઉભરાવાની સમસ્યા વધુ રહેતી હોવાથી 100 એચ.પી.નાં બે મડપંપ ખરીદવામાં આવશે તે નક્કી કરાયું હતું. તથા માખણીયામાં હાલનાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 25 એમ.એલ.ડી. છે. તેની ક્ષમતા બમણી કરીને 50 એમએલડીનો પ્લાન્ટ બનાવવામાં આવશે તેવું પણ નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...