વેરા વસુલાત:પાટણ પાલિકાની પ્રોત્સાહક વળતર યોજનાની દરખાસ્ત સરકારમાં મંજૂર,આજથી અમલ શરૂ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31મી મે સુધી તમામ વેરો ભરનાર મિલકત ધારકોને 15% મિલ્કત વેરા પર વળતર અપાશે
  • તમામ વેરા ભરપાઈ કરનારને નોટિસ ફી, વ્યાજ,પેનલ્ટી, વોરંટ ફીમાં 100% માફી મળશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં મિલકત ધારકોને વ્યાજ માફીનો લાભ આપવોની દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ છે અને શુક્રવારથી તેનો અમલ શરૂ થશે. આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજના અંતર્ગત 31 માર્ચ પહેલા મિલકત ધારકો તમામ પ્રકારના બાકી વેરાની બાકી ભરપાઈ કરશે તો તેમને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફીમાં ૧૦૦% માફી મળવાપાત્ર થશે. શહેરમાં અંદાજે રૂ.28 કરોડથી વધારે વેરા બાકી નીકળે છે. જો બધાજ વેરા ભરાઈ જાય તો અંદાજે રૂ.2 કરોડથી વધુ વ્યાજ માફી મળી શકે તેમ હોવાનું પાલિકાના વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

સરકારની વ્યાજ માફી યોજના ઉપરાંત પ્રોત્સાહક વળતર યોજનામાં વષૅ 2022-23નો તમામ વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોને મિલકત વેરામાં 10% વળતર આપવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા મિલકત ધારકોને ધ્યાનમાં રાખીને તા.31 મી મેં સુધીના સમય દરમિયાન કોઈ પણ ધારક ઈ-નગરની મોબાઇલ એપનો ઉપયોગ કરી ઓનલાઇન સીટીઝન પોટૅલ મારફતે ડિજિટલ પેમેન્ટ કરે તો 10% સિવાયનું વધારાનું 5% વળતર તા.31 મી મે સુધી એટલે કે કુલ 15% વળતર આપવામાં આવશે.

4000 જેટલા મોટા બાકીદારોને તક
અત્રે નોંધનીય છે કે શહેરમાં રહેણાક અને કોમર્શિયલ મિલકત ધારકો દ્વારા વેરાની ચુકવણી કરવામાં આવતી નથી.પાલિકા દ્વારા તેની નોટીસ બજવણી પછી વસુલાત કામગીરી કરવામાં આવે છે.પરંતુ ખૂબ જ ઓછી વસૂલાત થઈ રહી છે કોર્પોરેટર ડો.નરેશ દવેના જણાવ્યા મુજબ શહેરમાં રૂપિયા 15 હજારથી વધુ વેરા બાકી હોય તેવા ચાર હજારથી વધુ મિલકત ધારકો છે.

માફી યોજના મુદત પછી બાકીદારોની યાદી જાહેર કરવા મત
ગયા સોમવારે નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં માર્ચ માસમાં માફી યોજનાનો લાભ પૂરો થાય પછી જે મિલકત ધારકો વેરો ભરવામાં બાકી હોય અને મોટી રકમના વેરાની ચૂકવણી ન કરી હોય તેવા બાકીદારોની યાદી જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ વિપક્ષ અને અપક્ષ દ્વારા કરાઈ હતી. નગરપાલિકા પાસે સ્વભંડોળની આવક સાંકડી છે ત્યારે વેરા વસુલાત દ્વારા પાલિકાની તિજોરી ભરી શકાય છે તેવી ટકોર પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...