• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Governor Inaugurates Subhash Palekar Natural Agriculture Training Workshop At Shankheshwar, Farmers From 6 Districts Are Present

ત્રિદિવસીય તાલીમ કાર્યશાળાનો પ્રારંભ:શંખેશ્વર ખાતે રાજ્યપાલના હસ્તે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો શુભારંભ, 6 જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા

પાટણ18 દિવસ પહેલા
  • પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ જિલ્લાઓના ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું
  • કૃષિ તાલીમ કાર્યશાળામાં 06 જિલ્લાના 2200 કરતાં વધુ ખેડૂતોએ ભાગ લીધો
  • પ્રાકૃતિક ખેતી એ ઈશ્વરીય કાર્ય, પર્યાવરણ, પાણી, ગૌમાતા અને ધરતીમાતાનું સંવર્ધન : રાજ્યપાલ
  • આવનારા સમયમાં સમગ્ર વિશ્વ સામે જળવાયુ પરિવર્તન અને શુદ્ધ પાણીનો સૌથી મોટો પડકાર : રાજ્યપાલ

ઉત્તર ગુજરાતના કચ્છ સહિતના 06 જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે શંખેશ્વરના શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ખાતે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ઈશ્વરીય કાર્ય છે. પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણ, પાણી, ગૌમાતા અને ધરતીમાતાનું સંવર્ધન થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવા ઉપરાંત ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા સક્ષમ છે. આ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેનો અભ્યાસ ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ રૂબરૂ મુલાકાત લઈ કરી ચુક્યા છે.

ખેડૂતોને સંબોધિત કરતાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સમગ્ર વિશ્વ સામે સૌથી મોટો પડકાર જળવાયુ પરિવર્તન અને શુદ્ધ પાણીનો છે. રસાયણોના બેફામ ઉપયોગના કારણે જમીનની જળસંગ્રહ શક્તિમાં આવેલો ઘટાડો, પાણીનો વેડફાટ અને હવા-પાણીનું પ્રદુષણ બરબાદી નોંતરશે. સાથે જ કેન્સર, પેન્ક્રિયાસ ફેઈલ્યોર જેવી અનેક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવી ગંભીર સમસ્યાના નિવારણ માટે મનુષ્યએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અવિચારી ઉપયોગના કારણે જમીન તેનું સત્વ ગુમાવી રહી છે. તેના સ્થાને દેશી ગાય આધારિત ખેતીમાં વપરાતા જીવામૃત અને ઘનજીવામૃત સહિતની પદ્ધતિથી જમીનનું ઓર્ગેનિક કાર્બન લેવલ વધે છે. સાથે જ ભારતીય અળસિયા માટી અને કૃષિ અવશેષો ખાઈને તેનું પોષક તત્વોમાં રૂપાંતર કરે છે જેમાં અનેક પોષકતત્વો અને ઓર્ગેનિક કાર્બનને વધારે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. જેના પરિણામે ખેતી ખર્ચ ઘટે છે અને ખેડૂતોની આવક વધે છે. ઉપરાંત અળસિયા જમીનમાં જે છીદ્રો બનાવે છે તેના કારણે જમીનને ઓક્સિજન મળવા સાથે એક નેચરલ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ તૈયાર થાય છે. વરસાદી પાણી જમીનમાં ઉતરતાં ભુગર્ભજળનું સ્તર પણ ઉપર આવશે. પ્રાકૃતિક ખેતી સાથે આવરણ આચ્છાદિત (મલચિંગ) પદ્ધતિ અપનાવવાથી 50 ટકા પાણીની બચત થાય છે.

ભારતીય કિસાન સંઘના નવનિયુક્ત અધ્યક્ષ જગમાલભાઈ આર્યને અપીલ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, તમારી ટીમ સતત ખેડૂતોના હિત માટે કાર્ય કરે છે ત્યારે કિસાન સંઘ દ્વારા આ મિશનને આગળ વધારી ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં પણ દેશનું નેતૃત્વ કરવા તૈયાર કરીએ. ગુજરાતનો ખેડૂત અન્ય રાજ્યોમાં આ તાલીમ આપવા સક્ષમ બને તે દિશામાં પ્રયત્નો થાય તે આવકાર્ય છે.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યપાલ તરીકે પદભાર સંભાળતાંની સાથે જ આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાય આધારિત ખેતી અપનાવવા જે પ્રોત્સાહન આપ્યું છે તેનાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેત પદ્ધતિને વેગ મળ્યો છે. આજે મોટાભાગના ખેડૂતોએ રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ આંધળી દોટ મૂકી છે તે વ્યર્થ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પૂર્ણ કરવા પ્રાકૃતિક ખેતી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણે પ્રાકૃતિક ખેત પદ્ધતિના વૈજ્ઞાનિક આધાર આપી રાસાણિક ખેતીથી જમીન અને પાકને થતા નુકશાન તથા દેશી ગાય આધારિત ખેતીના ફાયદાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે યોજાયેલા ત્રિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં 06 જિલ્લાના 2200 કરતાં વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ અવસરે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ જિલ્લાઓના ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીલકંઠ ધામ પોઈચાના કૈવલ્યસ્વરૂપ સ્વામી, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિના સંયોજક પ્રફુલભાઈ સેંજલિયા, આત્મા પ્રોજેક્ટના નિયામક ડી.વી.બારોટ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, આત્મા, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...