ઉત્તર ગુજરાતમાં સમયની સાથે દરેક વર્ગમાં શિક્ષણની જાગૃતિ સ્પષ્ટ દેખાઇ રહી છે. પહેલાં બાળકોને ધો.10 કે 12 સુધી ભણાવતા વાલીઓ હવે ધો.12 પછી કોલેજ સહિત ઉચ્ચ અભ્યાસ કરાવતા થયા છે. આ બાબત છેલ્લા 5 વર્ષના પ્રવેશના આંકડા કહી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સતત 20 ટકા વધારા સાથે 1.28 લાખથી 2.40 લાખ સુધી પહોંચી ગઈ છે.
જેમાં યુવાવર્ગ સરકારી નોકરીની અપેક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં ઉપયોગી બને તે માટે આર્ટ્સમાં અભ્યાસ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છોકરા કરતાં 55.82 ટકા વધુ છોકરીઓ અભ્યાસ કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં કુલ 29,632 છોકરાઓની સામે 46,173 છોકરીઓએ એમએ, એમકોમ, એમએસસી, MSC નર્સિંગ અને એમએડમાં પ્રવેશ લીધો છે.
ઉત્તર ગુજરાતમાં વર્ષ 2017-18માં ધોરણ 12 પછી યુનિવર્સિટી સંલગ્ન 515 કોલેજોમાં 1,28,194 છાત્રોએ પ્રવેશ લીધો હતો. દર વર્ષે સંખ્યામાં 20 ટકાનો વધારો થઈ વર્ષ 2021-22માં 2,04,328 વિદ્યાર્થીઓનો પ્રવેશ નોંધાયો છે. એટલે કે, 5 વર્ષમાં 76,143 સંખ્યા વધી છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આર્ટ્સમાં પ્રવેશ લઈ રહ્યા છે. વર્ષ 2017-18માં 61,082 સંખ્યા હતી, જે 5 વર્ષમાં વધી 1,06,533 થઈ છે. અન્ય અભ્યાસમાં કોમર્સમાં 7 હજાર, સાયન્સમાં 1 હજાર, LLB માં 1500 જેટલી સંખ્યા વધી છે. તેમજ મેડિકલ, આઇટી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ વધી રહ્યો છે.
પોસ્ટ ગેજ્યુએશનમાં પ્રવેશ
અભ્યાસ | છોકરા | છોકરી |
એમએ | 10,883 | 18,937 |
એમકોમ | 8,234 | 11,813 |
એમએસસી | 8,055 | 10,393 |
MSC નર્સિંગ | 37 | 113 |
એમએડ | 2,423 | 4,917 |
કુલ | 29,632 | 46,173 |
(છેલ્લા 5 વર્ષમાં પ્રવેશના આંકડા છે) |
5 વર્ષમાં પ્રવેશમાં વધારો
ફેકલ્ટી | 2017-18 | 2021-22 |
આર્ટસ | 61,082 | 1,06,533 |
કોમર્સ | 20,013 | 27,189 |
સાયન્સ | 23,851 | 24,818 |
મેડિકલ | 2,339 | 2,351 |
આઈટી | 5,231 | 6,690 |
LLB | 2,772 | 4,001 |
અન્ય ફિલ્ડ | 12,906 | 32,746 |
દર વર્ષે પ્રવેશ સંખ્યામાં 20%નો વધારો
વર્ષ | સંખ્યા |
2017-18 | 1,28,194 |
2018-19 | 1,46,851 |
2019-20 | 1,67,438 |
2020-21 | 1,79,857 |
2021-22 | 2,04,328 |
હવે તમામ વર્ગના પરિવારો સંતાનોને ધો.12 પછી ભણાવે છે
2015 પૂર્વે સુખી સંપન્ન, સવર્ણ સમાજના પરિવારો સંતાનોને ખાસ કરીને દીકરીઓને ભણાવતાં હતાં. હવે શિક્ષણ પ્રત્યે આવેલી જાગૃતિને લઈ SC, ST અને OBC સામાન્ય પરિવારો પણ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સારા પરિવારોમાં લગ્ન થાય તેમજ સરકારી નોકરીની આશા દીકરી અને દીકરા બંનેને ધો.12 પછી ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરાવતા થયા છે. જેમાં છોકરીઓની સંખ્યા ખૂબ વધારે છે, તેનું કારણ મોટી ઉંમરે લગ્ન, લગ્ન પછી પણ હવે મહિલાઓને મળતી આઝાદી, નોકરી સાથે અને ઘરે બેઠાં થઈ રહેલા અભ્યાસને લઈ ડિગ્રી મેળવવા ઉત્સુકતા વધી છે.> ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ડીન ઉ.ગુ. યુનિ.
એક્સપર્ટ વ્યૂ - ધો.12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને ઓછા ખર્ચને લઈ આર્ટ્સ વધુ પસંદગીનો અભ્યાસ, બે વર્ષ ક્રેઝ વધશે
ઉ.ગુ. ગામડાઓનો વિસ્તાર છે. સ્થાનિક વિસ્તારમાં ધો.9 થી 12 સરળ ભાષામાં અભ્યાસ કર્યો હોય કોમર્સ અને સાયન્સ મુશ્કેલ લાગતાં ગેજ્યુશનમાં આર્ટ્સ વધુ પસંદ કરે છે. બીજી તરફ સરકારી નોકરી તરફ પણ નજર છે. ધોરણ 12 પછી આર્ટ્સમાં સામાજિક વિજ્ઞાન, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયો GPSC સહિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ મહત્વના હોય છે. તો ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં ઘરે બેઠાં પાસ થઈ જવાય છે. જેથી યુવાવર્ગ કલાસ 1, 2ની પરીક્ષામાં ગેજ્યુએશન ફરજિયાત હોઇ ડિગ્રી માટે આર્ટ્સનો અભ્યાસ પસંદ કરી સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કારણે હજુ બે વર્ષ સુધી કોલેજોમાં આર્ટસમાં ક્રેઝ રહેશે. - પ્રો. ડૉ.દિલીપ પટેલ, ઉ.ગુ. યુનિવર્સિટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.