રોગચાળો:પાટણમાં શંકાસ્પદ ડેન્ગ્યૂથી બાળકીનું મોત

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ સિવિલ હોસ્પિટલમાં બાળકોને સારવાર કરાવવા માટે મહિલાઓ ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી. - Divya Bhaskar
પાટણ સિવિલ હોસ્પિટલમાં બાળકોને સારવાર કરાવવા માટે મહિલાઓ ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી.
  • શહેરમા 100 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યૂના કેસ, નાગરવાડામાં બાળકીનો ખાનગી દવાખાને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • શહેરના સાત જેટલા વિસ્તારમાં ડેન્ગ્યૂની દહેશતથી દવાખાનામાં દર્દીઓની લાંબી કતાર, આરોગ્ય વિભાગમાં જિલ્લામાં એક માસમાં ફક્ત 65 કેસ નોંધાયા

પાટણ શહેરમાં મોહલ્લા પોળ વિસ્તારમાં ડેન્ગ્યૂના રોગે માથું ઉચકતાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરના સાતથી વધુ વિસ્તારોમાં નાના બાળકોથી લઇ વધુ ઉંમરના લોકો બીમારીમાં સપડાયા હોઈ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં વહેલી સવારથી જ ડોક્ટર આવે તે પહેલા સારવાર માટે દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. શહેરમાં 7 જેટલા વિસ્તારોમાં 100થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ સહિત એક વિસ્તારમાં 10 વર્ષની બાળકીની શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું હોવાનું ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સરકારી ચોપડે જિલ્લામાં ઓક્ટોમ્બર માસમાં ફક્ત 65 જ કેસ નોંધાયા છે.

પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસો આરોગ્ય વિભાગમાં મર્યાદિત નોંધાતાં સબ સલામતના દાવા વચ્ચે શહેરના અંદરના ભાગમાં આવેલા મોહલ્લા પોળોમાં રોગચાળાની ભારે અસર દેખાઈ રહી છે. જેમાં શહેરના 7 જેટલા મોહલ્લા પોળમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો શંકાસ્પદ ડેન્ગ્યૂની બીમારીમાં સપડાયા હોઈ ખાનગી દવાખાનામાં સારવાર માટે દોડધામ કરી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનામાં વહેલી સવારથી જ લોકો પોતાના બાળકો સહિત પરિવારના સભ્યોને સારવાર માટે દોડી આવતા ડૉકટર આવે તે પહેલાં જ દર્દીઓની લાંબી કતાર લાગી રહી છે.

આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આ ટેલિફોનિક સંપર્ક કરી વાત કરવાનો પ્રયાસ કરતા મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહી વાત કરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ સંપર્ક થઈ શક્યો ન હતો. પાટણમાં વધતા ડેન્ગ્યૂના કેસથી શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને સારવાર લઈ રહ્યા છે.

નાગરવાડામાં 10 વર્ષ્િય બાળકીનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત થયું
શહેરના નાગર વાડા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક 10 વર્ષની દીકરી તાવ સહિતની બીમારીમાં સપડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં રિપોર્ટ કરતા ડેન્ગ્યૂની અસર દેખાઈ હતી. સારવાર બાદ પણ હાલતમાં સુધારો ન આવતા અંતે તેનું મોત થવા પામ્યું હતું તેવું ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

જિલ્લા આરોગ્ય વિભાગમાં ઓક્ટોબરમાં માત્ર 65 જ ડેન્ગ્યૂના કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં જાન્યુઆરી 2021થી ઓક્ટોબર દરમ્યાન જિલ્લામાં સરકારી દવાખાનામાં 28 અને ખાનગી હોસ્પિટલમાં 111 કેસ મળી 139 કેસ નોંધાયા છે. તે પૈકી છેલ્લા બે માસમાં જોઈએ સપ્ટેમ્બરમાં 39 અને ઓક્ટોબર માસમાં 65 કેસ નોંધાયા છે. 12 વેકટર કન્ટ્રોલ ટીમ કામ કરી રહી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. એક તરફ વાયરલ ફિવરના કેસ વધી રહ્યા છે ત્યારે ડેન્ગ્યૂની દહેશત વચ્ચે લોકોમાં ભય ફેલાયો છે.

પ્રભાવિત વિસ્તાર
સાલવી વાડો
ત્રિશેરીયું
નારાયણ પાડો
નાગર લીબડી
ફાટીપાળ દરવાજા
રોટરી નગર
દવેનો પાડો
નાગર વાડો

અન્ય સમાચારો પણ છે...