પાટણ શહેરમાં બોર્ડ નંબર 8 માં પાણી નિકાલ માટે આઠ માસ અગાઉ નખાયેલ સ્ટ્રોમ વોટર પાઈપ લાઈનમાં યોગ્ય સાફ સફાઈ ન થતાં સાગોટાની શેરી પાસે પાઈપ લાઈનની કુંડીઓમાંથી દુર્ગંધ મારતો ગેસ નીકળી રહ્યો હોય રહીશોને ભારે હાલાકી ઊભી થતા સત્વરે પાઈપ લાઈન સાફ સફાઇ કરી રિપેરિંગ કરવામાં આવે તેવી પાલિકાના વિપક્ષના નેતા દ્વારા વારંવાર પાલિકામાં રજુઆત કરવાં છતાં પાલિકા ન સાંભળતા શુક્રવારે મીડિયા સમક્ષ પાલિકા સામે આક્રોશ ઠાલવ્યો હતો.
પાટણ પાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે વોર્ડ 8માં કૃષ્ણ સિનેમાથી મીરા દરવાજા સુધી પાણીના નિકાલ માટે કોન્ટ્રાક્ટર મારફતે 8 માસ અગાઉ સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન નાખી છે. પરંતુ આ પાઇપલાઇનમાં યોગ્ય કામગીરી ના કરી ગેરકાયદેસર ત્રણ જેટલા કનેક્શન જોડીને સાફ-સફાઈ ન કરાતા પાઇપલાઇનની કુંડીઓમાંથી અતિશય દુર્ગંધ મારતો ગેસ નીકળી રહ્યો છે.
જેમાં સાગોટાની શેરી પાસે આવેલ પાઇપ લાઇનમાંથી ઘણા દિવસથી ગેસ નીકળી રહ્યો હોય આ બાબતે ચારથી પાંચ વાર પાલિકાના ભૂગર્ભ ગટર વોટર વર્કસ શાખા તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી પરંતુ સમસ્યા હલ થઈ નથી. પાઈપલાઈન નાખનાર કોન્ટ્રાક્ટરની 3 વર્ષ સુધી રિપેરિંગ કરવાની જવાબદારી હોવા છતાં પાલિકા કોન્ટ્રાકટરને નોટિસ કે સૂચના પણ આપતી નથી સત્વરે રહીશોની સમસ્યા દૂર થાય તે માટે કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.