ગ્રાન્ટમાં કાપ:ગ્રા. પં.ની ગ્રાન્ટમાં 30 ટકાનો કાપ મૂકી તાલુકા - જિલ્લા પં.ને વહેંચાશે, ગ્રામ પં.ને 70 ટકા તાલુકા પંચાયતને 20 ટકા અને જિ.પંચાયત ને 10 ટકા ગ્રાન્ટ અપાશે 

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવતી નાણાપંચની ગ્રાન્ટમાં આ વખતે ફેરફાર કરાયો છે. હવે માત્ર ગ્રામ પંચાયતને જ નહીં સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને પણ નાણાપંચની ગ્રાન્ટ આપવા માટે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ માં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. આગામી એકાદ માસમાં 15 મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે.

ગ્રામીણ વિસ્તારમાં રોડ રસ્તા પાણી સહિતની પાયાની સુવિધા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે નાણાપંચની ગ્રાન્ટ આપવામાં આવે છે અત્યાર સુધી આ ગ્રાન્ટ માત્ર ગ્રામ પંચાયતોને જ આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે 15 માં નાણાપંચની ગ્રાન્ટ ગ્રામ પંચાયત સાથે તાલુકા અને જિલ્લા પંચાયતને પણ અપાશે. જેમાં 70 ટકા ગ્રામ પંચાયત ને 20 ટકા તાલુકા પંચાયત અને 10 ટકા ગ્રાન્ટ જિલ્લા પંચાયતને અપાશે.  આ ગ્રાન્ટ માંથી 50 ટકા કામો સેનીટેશન અને પીવાના પાણી માટે નક્કી કરી શકાશે. જ્યારે બાકીના 50 ટકા કામો રોડ રસ્તા કમ્પાઉન્ડ વોલ પૂર, સંરક્ષણ દિવાલ સહિતના વિવિધ પ્રકારના માળખાકીય સુવિધાના કામો કરી શકાશેઆ અંગે ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ સાધુએ જણાવ્યું કે  પંચાયત ને હવે 70 ટકા ગ્રાન્ટ મળશે. પરંતુ જે ગ્રાન્ટ મળતી હતી તેમાં ઘટાડો થશે નહીં સાથે તાલુકા પંચાયત ને 20 ટકા અને જિલ્લા પંચાયતને 10 ટકા નાણાપંચની ગ્રાન્ટ મળશે હજુ ગ્રાન્ટ આવી નથી પરંતુ એકાદ માસમાં આવે તેવી શક્યતા છે હાલમાં ગ્રામ પંચાયતો પાસેથી15 માં નાણાપંચના કામોનું આયોજન મંગાયું છે.

આ યોગ્ય નિર્ણય નથી રજૂઆત કરીશું
સોઢવના સરપંચ દિવાબેન  કાંતિભાઈ દેસાઈએ જણાવ્યું કે ગ્રામ પંચાયતને વિકાસના કામ કરવા માટે માત્ર નાણાપંચની સ્વતંત્ર ગ્રાન્ટ મળે છે. અન્ય એમપી એમ.એલ.એ ની ગ્રાન્ટોમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય છે. ત્યારે નાણાપંચની ગ્રાન્ટમાં ગ્રામ પંચાયતોને 30 ટકાનો ઘટાડો કરાયો તે યોગ્ય નથી. આ બાબતે પંચાયત મંત્રીને રજૂઆત કરીશું.

સરકારનો આવકારદાયક નિર્ણય છે : પ્રમુખ
જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે અગાઉ આજ સિસ્ટમથી ગ્રાન્ટની ફાળવણી થતી હતી. મારા 15 વર્ષના સરપંચના અનુભવ પ્રમાણે સરકારનો આવકારદાયક નિર્ણય છે. આ નિર્ણયથી લોકોને કોઈ નુકસાન નથી.

અન્ય સમાચારો પણ છે...