બે મકાનનાં તાળા તૂટ્યાં:રાધનપુરમાં બે મકાનમાંથી રૂા. 1.21 લાખના રોકડ-દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

રાધનપુર શહેરમાં આવેલી ક્રિષ્ના હેરીટેઝ સોસાયટીના બે મકાનમાંથી ચોર શખ્સો રૂ. 1 લાખ 21 હજાર 500ની મતાના રોકડ-દાગીનાની ચોરી કરી ગયા હતા. જેમાં ઘરના સભ્યોને ઘરની અગાશીમાં સૂતાં મૂકી તસ્કરો રોકડ તેમજ દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા.

મળતી માહિતી અનુસાર રાધનપુરમાં આવેલી ક્રિશ્ના હેરીટેઝ સોસાયટીમાં આવેલા મકાન નં. બી-84માં રહેતા અને મૂળ સાંતલપુરના વારાહીના વતની અને અહીં વેપાર કરતા હાર્દિક કુમાર પોપટલાલ રઘુરામ ઠક્કર અને તેમનાં પરિવારના સભ્યો ગત સોમવારની રાત્રે પોતાના ઘરની અગાસીમાં સુતા હતા. પરંતુ નીચેનાં માળનો દરવાજો બંધ કરવાનો રહી ગયો હતો અને ઘરમાં પડેલી તિજોરીને લોક નહોતું. જેમાં વારાહી ખાતેની દુકાને જવા માટે રોજિંદા ક્રમ પ્રમાણે હાર્દિકભાઈ સવારે 6 વાગ્યે ઉઠીને નીચે આવીને રૂમમાં જોતાં તેમની તિજોરીના દરવાજા ખુલ્લા અને સામાન વેરવિખેર પડ્યો હતો.

તેમણે તિજોરીમાં તપાસ કરતાં તિજોરીમાંથી સોનાનો 20 ગ્રામનો રૂ. 50 હજારનો દોરો, રૂ. 8500ની કિંમતની સાડા ત્રણ ગ્રામની સોનાની બુટ્ટી, રૂ. 5 હજારની ચાંદીની 160 ગ્રામની ચાર નંગ તોડી અને રૂ. 20 હજારની રોકડ રકમ મળી આવી નહોતી. જેની જાણ આસપાસનાં લોકોને થતાં તેઓ પણ આવી ગયા હતા.

આ સિવાય સોસાયટીમાં જ રહેતા દર્શનાબેન કલ્પેશભાઈ રાવલના મકાનમાંથી પણ ઇસમો રૂ. 40 હજારની મતાના સોના-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...