તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા શૈક્ષણિક વર્ષનો અભ્યાસ શરૂ:આજથી શાળાઓ શિક્ષકો માટે ખુલશે, છાત્રોને ઓનલાઈન એક મહિનો બ્રિજ કોર્સ ભણાવાશે

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10ની માર્કશીટ હજુ આવી ન હોવાથી ધોરણ-11 માં પ્રવેશ માટેના કોઈ ઠેકાણા નથી
  • પાટણ શહેરમાં સ્ટેશનરીની દુકાનોમાં પુસ્તકોની ધીમી ગતિએ ખરીદી શરૂ થઈ પણ વાલીઓનો ધસારો નથી

પાટણ જિલ્લામાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે પ્રવેશોત્સવ વગર સોમવારથી નવા શૈક્ષણિક સત્ર સાથે શાળાઓ શરૂ થશે. શાળાઓ 100 ટકા શિક્ષકો સાથે કાર્યરત થઇને ત્રણ દિવસ દરમિયાન બ્રિજ કોર્સ તાલીમ મેળવશે. બાદમાં એક મહિના સુધી વિદ્યાર્થીઓને આ બ્રિજ કોર્સ અન્વયે ઓનલાઇન ભણાવશે. એટલે કે નવા ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને તેમના પાછળના ધોરણના સંકલિત અભ્યાસક્રમનો મહાવરો, પુનરાવર્તન કરાવતો કોર્ષ જીસીઇઆરટી દ્વારા તૈયાર કરાયો છે તેની એક મહિનો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવી કોરોનામાં રહેલી અભ્યાસક્રમ, શિક્ષણની ગેપ પૂરવામાં આવશે.

જિલ્લાની 832 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળામાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જેમાં ધોરણ ત્રણથી આઠના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. કોરોનાના કારણે પ્રવેશોત્સવ થશે નહીં પરંતુ ધોરણ-1માં કુલ 16430 છાત્રો પ્રવેશ મેળવે તેવી શક્યતા છે.

એપ્રિલ માસમાં શિક્ષકો દ્વારા કરાયેલા સર્વેમાં 8415 કુમાર અને 8015 કન્યા મળી કુલ 16430 પ્રવેશપાત્ર બાળકો મળી આવ્યા છે તેવુ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને બોલાવવા માટેની કોઈ સૂચના નથી.

નવા વર્ગો માટે શાળાઓ પાસે માહિતી માગી
ધોરણ 10 ના છાત્રોને બોર્ડે માસ પ્રમોશન આપ્યું હોવાથી ધોરણ 11માં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે જેને પગલે વર્ગ વધારા માટે શાળાઓ પાસે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માહિતી માગવામાં આવી છે. જેમાં હાલના તબક્કે 13 વર્ગો માટે માગણી આવી છે તેવુ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના એડીઆઈ જયરામભાઈ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...