ચાઇનીઝ દોરીનો વેપલો:પાટણના કોઇટામાંથી રૂ. 1.08 લાખના ચાઇનીઝ દોરીનાં 277 રીલ-ફિરકી ઝડપાયા, 11 શખ્સોની અટકાયત

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીઓને પકડવા માટે મોટાપાયે ઝુંબેશ ઉપાડી છે જેનાં ભાગરુપે આજે શનિવારે સવારથી સાંજે છ વાગ્યા દરમ્યાન પાટણ જિલ્લામાં 8 સ્થળે ઓચિંતા દરોડા પાડીને 11 શખ્સોની અટકાયત કરી હતી અને તેમની પાસેથી રૂા. 1,52,800ની કિંમતની 523 જેટલી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ તથા તેનાં રીલ જપ્ત કર્યા હતા.

પાટણ જિલ્લામાં આજે પાટણ એલ.સી.બી. એસ.ઓ.જી. ઉપરાંત સ્થાનિક પોલીસે જોરદાર ઝુંબેશ ચલાવી હતી અને પાટણ શહેર, સરસ્વતિ તાલુકો, વાગડોદ તાલુકો,રાધનપુર, સમી તાલુકામાં રેડો કરી હતી. એમાં આજે સૌથી મોટો જથ્થો પાટણનાં સરસ્વતિ તાલુકાનાં વાગડોદ પોલીસ સ્ટેશનની હદનાં કોઇટા ગામેથી પકડાયો હતો.

પાટણ એલ.સી.બી. પોલીસે મળેલી બાતમી આધારે કોઇટા ગામે રેડ કરી હતી અને અત્રે ચાઇનીઝ દોરી વેચતા રામુજી ઠાકોર અને રાહુલજી ઠાકોર પાસેથી રૂા.1,08,600ની કિંમતની 200ચાઇનીઝ દોરી અને તેનાં નાના મોટા રીલ મળી આવ્યા હતા. પોલીસે અત્રેથી રૂા.90000ની 180 નંગ ફીરકી તથા રૂા.10500ની કિંમતનાં 70 નાના રીલ તથા રૂા.8100નાં 27 નાના છુટા રીલ જપ્ત કર્યા હતા.

આ ઉપરાંત પોલીસે પાટણ શહેરનાં પાટણ-ડીસા હાઇવે પર |જીઇબી ત્રણ રસ્તા પાસેથી રાહુલ પટ્ટણી પાસેથી રૂા. 6800ની 34 ફિરકી, પાટણની મીરાં પાર્ક સોસાયટીનાં દરવાજા પાસેથી રૂા. 16500ની કિંમતના ચાઇનીઝ દોરીનાં 55 રીલ, સરસ્વતિનાં મોટા નાયતામાંથી શ્રવણજી ઠાકોર પાસેથી રૂા.10400ની 47 ફિરકી, સિધ્ધપુરનાં ખળી ચાર રસ્તા પાસે ગગનભાઈ ઠાકોર અને અલ્પેશ સોલંકી પાસેથી રૂા.1000ની કિંમતની 10 ફીરકી, રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલની બાજુમાંથી મચુદ્દીન અને અનીલ જોશીની પાસેથી રૂા. 6300નાં 51 રીલ, સમી તાલુકાનાં અમરાપુરથી હંસનગર ગામ તરફનાં રોડ ઉપરથી હનીફશા અને ધીરુભાઇ પાસેથી રૂા 2000ની 40 ફીરકી તથા રૂા. તથા 1200ની ફીરકી મળી કુલ રૂા. રૂા. 3200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...