પાટણમાં વસતા તળપદ દરજી સમાજ દ્વારા પરંપરાગત મુજબ આજે વઢીયાર પંથકનાં લોટેશ્વર મહાદેવ ખાતે પગપાળા યાત્રા સંઘે પ્રસ્થાન કર્યુ છે. વઢીયાર પંથકમાં આવેલા લોટેશ્વર મહાદેવ યાત્રાધામ વિવિધ સમાજના લોકો માટે શ્રદ્ધા, ભકિત અને આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. કહેવાય છે કે, મહાભારતનાં સમયકાળ દરમિયાન 11 વર્ષના વનવાસ સમયે પાંડવોએ આ સ્થળે રોકાયા હતા. તો દંતકથા મુજબ ભીમે આ સ્થળે લોટી ઉંધી વાળતા સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયુ હતું. ત્યારથી આ સ્થળ લોટેશ્વર યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. પુરાણોમાં મળેલા ઉલ્લેખો મુજબ સમગ્ર ભારત વર્ષમાં માત્ર આ સ્થળે માતૃ અને પિતૃ તર્પણ કરવાથી તમામ આત્માઓને મુક્તિ મળે છે.
પાટણ શહેરમાં વસતા તળપદ દરજી સમાજના લોકો વર્ષોથી પરંપરાગત મુજબ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા પગપાળા યાત્રાસંઘ યોજી મહાદેવને શીશ નમાવવા જાય છે. ત્યારે આજે ફાગણ વદ અગીયારસના પવિત્ર દિવસે કાપડિયા વીર દાદા ના મંદિરે થી દરજી સમાજના પગપાળા સંઘ ગોળશેરી ખાતે આવેલ રામજી મંદિર ખાતે ભગવાન ભોળાનાથના ત્રિશુળ અને ધજાદંડની સંઘવી પરીવાર દ્વારા વિધીવત પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ પાટણ શહેરના ગંજીપીર વિસ્તારમાં આવેલ સાગોટાની શેરી ખાતેથી દરજી સમાજનો પગપાળા સંઘ પ્રસ્થાન થયો હતો.
સંઘના પ્રસ્થાન પૂર્વેકુળદેવી આશાપુરા માતાના મંદિરે ભગવાન ભોળાનાથના ત્રીશુળ અને ધજાદંડની પૂજાવિધી યોજાઈ હતી. ત્યારબાદ આ સંઘનું ઘેર ઘેર સામૈયુ કરવામાં આવ્યુ હતું. છેલ્લા ઘણા વર્ષથી તળપદ દરજી સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ સંઘપતિઓ દ્વારા આ સંઘયોજવામાં આવે છે. આ સંઘમાં ચાલુ વર્ષે 60 જેટલા પદયાત્રીઓએ ભોલેનાથના જયધોષ સાથે વાજતે ગાજતે લોટેશ્વર મહાદેવ ખાતે પ્રસ્થાન કર્યું હતું. નોંધનીય છે કે, દરજી સમાજના લોકો ત્રણ દિવસ સુધી લોટેશ્વર મહાદેવ ખાતે રોકાઈ પોતાની બાધામાનતા પૂર્ણ કરી ચૌદસની સવારે ભગવાન ભોલેનાથના મંદિર પર ધજા આરોહણની વિધી પૂર્ણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.