• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Former President Of Patan Municipality Opened A Front Against The Chief Officer And Made Representations To The Government, The CO Questioned The Veracity Of The Letter.

પુર્વ પ્રમુખ V/S ચીફ ઓફિસર:પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે ચીફ ઓફિસર સામે મોરચો ખોલી સરકારમાં રજૂઆત કરી, COએ પત્રની સત્યતા સામે જ સવાલ ઉઠાવ્યાં

પાટણ4 દિવસ પહેલા
  • ચીફઓફિસર સામે સભ્યોની વધતી નારાજગીને લઈને પ્રાદેશિક કમિશ્નરમાં થયેલી અરજી અંગે તપાસનો કમિશ્નરે આદેશ કર્યો પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ 14 આક્ષેપો કરીને સીફઓફિસરની બદલી કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પાલિકાના નગરસેવકો અને ચેરમેન છેલ્લા ઘણા સમયથી નારાજ છે. અગાઉ ચીફ ઓફિસરની બદલી માટે ઠરાવ પણ કરી ચૂકયાં છે. તેમજ આ નારાજગી છેલ્લા કેટલાય સમયથી સતત વધી રહી છે. ત્યારે નગરપાલિકામાં સદસ્ય ન હોવા છતાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી કરીને તેઓ વિરૂદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. જેની જાણ તેમણે પ્રાદેશિક કમિશ્નર કચેરી અને કલેક્ટરને પણ કરી છે. ત્યારે આ મામલે COએ પત્રની સત્યતા સામે જ સવાલ ઉઠાવ્યાં છે.

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ સરકારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ 12 થી 14 જેટલા મુદ્દે તપાસ અર્થે પોતાના લેટરપેડ ઉપર રજૂઆત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ સાથે કરાયેલા મુદ્દાની તપાસ કરી યોગ્ય કરવા તપાસ સોંપવામાં આવી છે. ત્યારે આ તપાસ મુદ્દે ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.

નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ કરતા પ્રથમ ગ્રાહ્યે પહેલા તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા પોતાના લેટરપેડ ઉપર કરાયેલી રજૂઆતમાં તેઓની સહી નથી. તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા લેટર પેડનો દુરુપયોગ કરવામાં આવ્યાં છે કે કેમ તે બાબતે તપાસ કરાશે. હેમંત તન્ના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે હાલમાં તેઓ કોર્પોરેટર ન હોવાનું પણ સાબિત થયું છે. તેઓ દ્વારા નગરપાલિકાના શહેરી વિસ્તારના 12 વોર્ડનો ઉલ્લેખ કરાયો છે, જોકે, નગર પાલીકામાં હાલમાં 11 વોર્ડ છે ત્યારે આ બાબત પણ તપાસ માંગી લે છે. તેમજ તેઓએ જણાવ્યું કે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધના 14 મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવતા આ અંગેની તપાસ મને સોંપવામાં આવી છે. હાલ આ મામલે તેઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ પત્ર અનુસંધાને પ્રાદેશિક કમિશ્નર કચેરીએ આ મામલો જેની સામે મંડાયો છે તેમને જ આ અંગેની તપાસ નિયમાનુસાર ઘટતી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે એટલે કે, ચીફઓફીસર સામેના આક્ષેપોની તપાસ પ્રાદેશિક કમિશ્નરે ચીફઓફીસરને જ સોંપી છે.

હેમંત તન્નાએ આ પત્રમાં ચીફ ઓફિસર સામે વિવિધ પ્રકારના 14 આક્ષેપો કરીને તેમની બદલી કરવાની રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે કમિશ્નરે તારીખ 12 મી નવેમ્બરે ચીફઓફિસરને પાઠવેલા પત્રમાં ઓફીસરને આ અરજી અંગે તપાસ કરીને કચેરીને રીપોર્ટ કરવા જણાવ્યું છે.

આ દરમિયાન હેમંત તન્નાએ ચીફઓફીસરની બદલી અંગેના 14 કારણો દર્શાવતાં જણાવ્યુ છે કે, પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસરની કાર્યપદ્ધતિનાં કારણે આવનારા સમયમાં ભાજપને ઘણું નુકસાન સહન કરવું પડે તેમ હોવાથી તેમની બદલી કરવા અને તેમની ફરજ મુદાઓ દરમિયાન તેમણે દાખવેલી બેદરકારી બદલ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે .

તેમણે ચીફઓફિસર સામે જે મુદાઓ રજુ કર્યા છે. તેમાં ચીફ ઓફીસર ઓફીસ સમય હાજર રહેતા ન હોવાથી નગરસેવકો, પ્રજાજનો અને વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. તેઓ નગરસેવકોને અને પ્રજાને મળવાનો સમય ફાળવી શક્તા નથી. આ મામલે પ્રમુખે પણ હુકમ કર્યો હોવા છતાં હુકમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે .શહેરમાં સ્વચ્છતાનાં મામલે તેઓ નિષ્ફળ ગયા છે. જેવા અનેક મુદ્દાઓ રજુ કર્યા હતા. તેમજ શહેરમાં અનેક જગ્યાએ ભુગર્ભ ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના આરોગ્યને હાનિ થાય છે તે અંગે પ્રજાના પ્રશ્નોને તેઓ સંતોષકારક જવાબ આપતા નથી.

આ ઉપરાંત ઠરાવોનું સમયમર્યાદામાં અમલ ન કરતા હોવાથી કે તેની પર પોતે સંમત કે અસંમતની નોંધો પણ કરતા નથી. શહેરના વિકાસના કામોના ઠરાવોનો અમલ થતો ન હોવાથી અને પ્રજાલક્ષી કામો થતા ન હોવાથી ભાજપની પ્રતિષ્ઠાને હાની પહોંચે તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે. નગરપાલિકાના ઠરાવોમાં તેમના અધિકાર ન હોવા છતાં કેટલી નોંધો તેમના હસ્તાક્ષરમાં કરતા હોવાથી નગરપાલિકાના હિતોને પણ નુકસાન થાય છે. કેટલાક ઠરાવોને તેઓ પ્રાદેશીક કચેરીમાં રિવ્યુ માટે પણ મોકલતા નથી. પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે તે ઈજારદારને વર્ક ઓર્ડર આપ્યા પછી કામની ડિઝાઈનમાં કોઈની પણ પરવાનગી વગર મનસ્વી રીતે ફેરફાર પણ કર્યા હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું.

આ મુદ્દા અંતર્ગત ત્રણ પેટા મુદાઓ જેમાં પાટણ નગરપાલિકાની પાછળ રેમ્પની ડીઝાઈન મંજૂર કરતા અલગ રીતે રેમ્પ બનાવ્યો છે. ઘણી જગ્યાએ સ્ટ્રોમ વોટરની પાઈપ લાઈનોમાં પણ ટેન્ડરમાં મંજૂર થયેલા ડાયામીટર કરતા ઓછા ડાયામીટરની પાઈપલાઈનો નાખી ઈજારદારોને ફાયદો કરાવ્યો છે.

આ ઉપરાંત આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શહેરમાં ચીફઓફીસર દ્વારા અપાતી બાંધકામ પરવાનગીઓમાં પણ તેમણે નગરપાલિકાના કેટલાક વિકાસ કામો કે જેની વહિવટી મંજૂરી મળ્યા બાદ ટેન્ડર રહેણાંકનાં બદલે કોમર્શિયલ બાંધકામો કરનારા બિલ્ડરો સામે રજૂઆતો કરવા છતાં ચીફઓફીસરે કોઈ કાર્યવાહી કરી નથી. ઈજારદારોની સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

અરજદાર પાલિકા પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ જણાવ્યું હતું કે, ચીફ ઓફીસરની કામગીરીમાં અનિયમિતતાઓને લઈને પાટણ શહેરના વિકાસ કામો રૂંધાતા હોવાથી તેમની બદલી માટે મુખ્યમંત્રીને અરજી કરી છે. શહેરમાં કેટલાક વિકસના કામો બાબતે વહીવટી બાબતે તેમની કામગીરી સંતોષકારક ન હોવાની ફરીયાદ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર દ્વારા કેટલાક કોન્ટ્રાક્ટને સાચવવા આ કામગરી કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...