ભરશિયાળે ચોમાસા જેવો માહોલ:સતત ત્રીજા વર્ષે નવેમ્બરમાં માવઠાંએ ખેડૂતોને રડાવ્યા

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા (21), પાટણ (16), રાધનપુર (29), શંખેશ્વર (15), સમી (10), સરસ્વતી (7), સાંતલપુર (29), સિદ્ધપુર (13) અને હાિરજ 21 મીમી વરસાદ

ગુરુવારે સવારથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ઠંડા પવનો સાથે વરસાદ પડતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. માવઠાને પગલે જુવાર ઘાસચારો કપાસ એરંડા પલડી જતા ખેડૂતોને નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જ્યારે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા ચણા જીરુ સહિતના રવી વાવેતર પર પણ ખતરો ઉભો થયો છે. જોકે હારીજમાં જીનિંગ મિલમાં કપાસિયા અને કપાસનો જથ્થો પલડ્યો હતો. પરંતુ પાટણ સિદ્દપુર, હારિજ માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી બંધ રાખવામાં આવી હોવાથી ખેડૂતો અને વેપારીઓનો કપાસ નો મોટો જથ્થો પલડતા બચી ગયો હતો.

વરસાદને પગલે પાટણ શહેરમાં રેલવે ગરનાળા અને કોલેજ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. રાજમહેલ રોડ પર પાણી ભરાઈ ગયું હતું. સિદ્ધપુર ચાર રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ચાલકો પરેશાન થયા હતા. સરસ્વતી તાલુકામાં વરસાદથી એરંડા અને જુવાર બાજરીના સુકા પુળા નેનુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે. વારાહી ખાતે આવેલ ભીડ ભજન હનુમાનજી ગૌશાળામાં 40 હજાર પુળા પલળી ગયા હતા. પંચાસર મૂકામે નાડોદા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં માંડલના વૈભવ લક્ષ્મીમાં સ્થળાંતર કરાયું હતું. રાધનપુર માર્કેટયાર્ડમાં માલ પલ‌ળવા સાથે જલારામ સોસાયટીથી સબજેલ સુધી પાણી ભરાયાં હતાં.

સિદ્ધપુરમાં કાર્તિક માસની પૂર્ણિમા સુધીમાં તર્પણ વિધિ કરાવવાનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ તર્પણ કરવા માટે ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ તેમજ તર્પણ કરાવતા ભૂદેવો પણ પલળી જવાથી હેરાન થઈ ગયા હતા. વરસાદમાં વિધિ કરી હતી.

સમી તાલુકાના કોડધા ગામ થી 20 કિ.મી.દુર આવેલ વચ્છરાજ બેટ ખાતે વરસાદથી રણના રસ્તામાં કાદવ થતાં દસ જેટલાં શ્રદ્ધાળુઓની ગાડી ફસાતાં મંદિર ટ્રસ્ટના સેવકોએ મહા મુસીબતેે સહી-સલામત બહાર કાઢી હતી.

મધ્યમ વરસાદની સંભાવના
શુક્રવારે પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી: આગામી 3 દિવસ આ પ્રકારે વાતાવરણ રહેશે
તા.19 : વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના 26% થી 50% વિસ્તારમાં હળવા વરસાદની શકયતા રહેશે.
તા.20 :- સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે. માવઠાની શકયતાના બરાબર રહેશે.
તા.21 થી વાતાવરણ સામાન્ય થશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવતા હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે

અન્ય સમાચારો પણ છે...