હાલમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલના ભાવમાં સતત વધારો થવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ રહ્યુ છે. પાટણ પંથકમાં દરરોજ તેલના અંદાજે 3000 ડબ્બાનું વેચાણ થાય છે. એટલ દરરોજ રૂ.9 લાખનો બોજ લોકો પર વધ્યો છે. મોંઘવારીના કારણે લોકો પર આર્થિક બોજ વધી જતા મુશ્કેલીમાં મુકાયા છે. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે તેલની આયાત બંધ થતાં ભાવમાં વધારો થયો હોવાનો વેપારીઓ મત વ્યકત કરી રહ્યા છે.
છેલ્લા એકાદ માસથી સિગતેલ, સૂર્યમુખી તેલ, કપાસિયા તેલ, પામોલીન તેલ અને સોયાબીન તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. જેના કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોને કયું તેલ ખરીદવું તે મુંઝવણ અનુભવી રહ્યા છે. આ સ્થિતિમાં ડિસ્કો તેલનું વેચાણ થવાનો ભય લોકોમાં ઉભો થયો છે. ત્યારે ફુડ વિભાગે પણ તેલ બજાર પર ચાપતી નજર રાખવાની જરૂરિયાત લોકો વ્યક્ત કરી રહ્યા છે. સૂર્યમુખી તેલ સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેનથી નિકાસ થાય છે. બંને દેશો વચ્ચેના યુદ્ધના કારણે નિકાસ બંધ થતાં વિદેશોમાંથી આયાત થતાં સોયાબીન અને પામોલિન તેલના ભાવ પણ વધી ગયા છે તેવું વેપારી ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ભાવ વધતા તેલ ખરીદી ઘટી
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાંથી દરરોજ તેલના અંદાજે 3000 ડબ્બાનું વેચાણ થાય છે. 1 ડબ્બામાં સરેરાશ રૂ.300નો ભાવ વધારો ગણીએ તો દરરોજ રૂ.9 લાખ તેલ પાછળ ખર્ચ વધ્યો છે. ભાવ વધવાના કારણો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ખરીદીની માત્રા ઘટાડી છે તેવું ચેમ્બર ઓફ કોમર્સ જિલ્લા પ્રમુખ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું.
સરકારે ભાવ વધારા પર નિયંત્રણ કરવું જોઈએ
પેટ્રોલ-ડીઝલ અને ગેસ માં ભાવ વધારા બાદ તેલમાં થયેલા અસહ્ય ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક કમર તૂટી રહી છે. સરકારે ભાવ વધારા પર નિયંત્રણ કરવું જોઈએ તેવું દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું.
ભાવમાં 190થી 440નો વધારો
તેલ | જુનોભાવ | નવોભાવ | વધારો |
સીંગતેલ | 2360 | 2550 | 190 |
સનફ્લાવર | 2200 | 2640 | 440 |
કપાસિયા | 2300 | 2550 | 250 |
પામોલીન | 2040 | 2450 | 410 |
સોયાબીન | 2250 | 2650 | 400 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.