તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય રણછોડ:પાટણમાં ભગવાન ભક્તો વગર જગન્નાથજીની 139મી રથયાત્રા સપન્ન, 500થી વધુ પોલીસ જવાનો રથયાત્રામાં તૈનાત કરાયા

પાટણ15 દિવસ પહેલા
'જય રણછોડ માખણ ચોર'ના નાદે સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાયુ
  • રથયાત્રા રૂટ પર આવતા મહોલ્લા પોળો બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • ભક્તોની હાજરી વગર રથયાત્રા સરકારના નિયમો અનુસાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ

વૈશ્વિક કોરોના મહામારીમાં પાટણની પાવન ધરા પર પરંપરાગત ભગવાન જગન્નાથના પરિવારની નગરયાત્રામાં શ્રદ્ધાળુ ભક્તોની આસ્થા અને અભિલાષા મનમાં જ સીમીત રહી ગઈ હતી. સૃષ્ટિના સર્જનહાર ભગવાન જગન્નનાથનો જન્મ કારાવાસમાં થયો હતો તેવા જગતનિયતાના ઉત્સવના દર્શન માટે આજે શ્રદ્ધાળુઓ ભલે ઘરમાં પૂરાયા હોય, પરંતુ તેમણે મનમંદિરમાં જગતનિયતાના દર્શન કરી મન મનાવ્યું હતું.

આમ તો ભક્તો ભગવાનને શોધવા મંદિરમાં પૂજાઅર્ચના કરે છે, પરંતુ આજે ખુદ શામળીયો 139મી રથયાત્રાના સ્વરુપે પાટણના માર્ગો પર ભક્તોને શોધવા નીકળ્યો હોય તેમ ભક્તોની હાજરી વગર ઐતિહાસિક રથયાત્રા સરકારના આંશિક નિયંત્રણો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

'જય રણછોડ માખણ ચોર'ના નાદે સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાયુ
પાટણમાં અષાઢી બીજની 139મી રથયાત્રાને લઈ પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે ભગવાનના મહોત્સવની પરંપરાગત મુજબ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શુભ મુહુર્તમાં સંગીતની સુરાવલી વચ્ચે ભગવાન જગન્નાથના જયધોષ સાથે ત્રણેય મૂર્તિઓને સુશોભીત રથમાં બીરાજમાન કરવામાં આવી હતી. ત્યારે મંદિર પરીસરમાં ઉપસ્થિત ખલાસીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત અન્ય ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ 'જય રણછોડ માખણ ચોર'ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતના રંગે રંગી દીધુ હતું.

100 ખલાસીઓ રથયાત્રામાં જોડાયા
આ વર્ષે કોરોનાના કારણે આરતી ની ઉછામણી વગર છેલ્લા 6 વર્ષથી આરતીનો અમૂલ્ય લહાવો લેતા હરેશભાઈ જોષી પરીવાર દ્વારા રૂા .1 લાખ 11 હજારમાં ભગવાન જગન્નાથની આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. તો આ મહોત્સવના શુભ અવસરે જિલ્લા કલેકટર, જિલ્લા એસ.પી. અક્ષયરાજ મક્વાણા, પાટણ સાંસદ, ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ ભગવાન જગન્નાથના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથના જયધોષ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જોકે 139મી રથયાત્રામાં વહીવટીતંત્રના આંશિક નિયંત્રણને લઈ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના પ્રથમ રથમાં 50 ખલાસીઓ અને બહેન સુભદ્રા અને ભ્રાતા બલભદ્રના રથ સાથે 25-25 ખલાસીઓ મળી કુલ 100 ખલાસીઓ આ રથયાત્રામાં જોડાયા હતા.

વૈશ્વિક કોરોના મહામારીને લઈ શ્રદ્ધાળુ ભક્તોએ માત્ર દુરથી ત્રણેય રથોના દર્શન કરી મન મનાવ્યું હતું. તો આ રથયાત્રા જુનાગંજ ચોકમાં આવી પહોંચતા જિલ્લા એસ.પી. અક્ષયરાજ મક્વાણાના પરિવારજનો દ્વારા ત્રણેય રથોની સન્માનવિધી સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા
સમગ્ર રથયાત્રાનો મહોત્સવ સરકારની ગાઈડલાઈન મુજબ સંપન્ન થાય તે માટે રથયાત્રાની સાથે જિલ્લા એસ.પી , ડીવાયએસપી , પીઆઈ , પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સહિત પોલીસકર્મચારીઓ અને હોમગાર્ડમળી આશરે 500થી વધુ પોલીસનો કાફલો રથયાત્રામાં જોડાયો હતો. અને જે રુટ પરથી રથયાત્રા પસાર થવાની હતી તે તમામ રુટોને બેરીકેટ વડે બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ પાટણના આંગણે યોજાયેલી ભગવાન જગન્નાથની 139મી રથયાત્રામાં ઈતિહાસમાં પ્રથમવાર ભકતોની ગેરહાજરીમાં જ ભગવાને નગરચર્યા કરી હોય તેવા માહોલ વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નિજમંદિર ખાતે સંપન્ન થઈ હતી.

પાટણ શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાના ભક્તોએ ધાબા ઉપર, ઘરના ઓટલે, માહોલ્લા અને પોળના નાકેથી દર્શન કર્યા હતા. તો કેટલાક ભક્તો ઘરની બારીમાંથી ફોટા પાડી રથયાત્રાની યાદગીરીને કેમેરામાં કેદ કરી હતી. જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બહેન સુભદ્રાના રથ ઉપર સરથી તરીકે બેઠેલા બાળકે ઉપસ્થિત લોકોમાં આકર્ષણ જામાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...